VANDANA VASUKIYA –– VIRAMGAM
શ્રી સેતુબંધ રામેશ્વર મહાદેવને ચાંદીના વાસુકી નાગદેવતા અર્પણ કરવાનો મહંત શ્રી રામકુમારદાસજીનો સંકલ્પ પૂર્ણ થયો
શ્રાવણ મહિનો એટલે દેવાધિદેવ મહાદેવની આરાધનાનો મહિનો અને મહાદેવનું આભૂષણ એટલે વાસુકી નાગદેવતા. શ્રાવણ સુદ પૂનમના પાવન દિવસે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના ઐતિહાસિક શ્રી રામમહેલ મંદિર ખાતે શ્રી સેતુબંધ રામેશ્વર મહાદેવને ચાંદીના વાસુકી નાગદેવતા મહંત રામકુમારદાસ બાપુ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી રામ મહેલ મંદિર ખાતે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને વાસુકી નાગદેવતાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શ્રી રામ મહેલ મંદિર વિરમગામના મહંતશ્રી રામકુમારદાસ બાપુ, મહાત્યાગી રામકુમારદાસજી, ઘનશ્યામ મુની, શ્યામગીરી, સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી સંજયભાઈ શુક્લએ શાસ્ત્રો વિધિ દ્વારા લઘુરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો. ભક્તો દ્વારા સામૂહિક આરતી કરવામાં આવી અને પ્રસાદ, દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન શિવના ગળામાં જે નાગ છે તે નાગનું નામ વાસુકી છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે તે નાગોના રાજા છે અને તેમનું નાગલોક પર શાસન છે. સમુદ્ર મંથન દરમિયાન દોરડાનું કામ વાસુકીએ જ કર્યું હતું. કહેવાય આવે છે કે વાસુકી ભગવાન શિવના પરમ ભક્ત હતા. જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને આભૂષણની જેમ ગળામાં ધારણ કરવાનું વરદાન આપ્યું હતું. અષાઢી બીજના દિવસે મહંત રામકુમાર દાસ બાપુ દ્વારા દેવાધિદેવ મહાદેવને ચાંદીના વાસુકી નાગદેવતા અર્પણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો જે આજે પૂર્ણ થયો છે.