NILKANTH VASUKIYA -VIRAMGAM
– સાણંદ પ્રાન્ત ઓફિસ ખાતે સ્વાઇન ફ્લુ જનજાગૃતિ વર્કશોપ યોજાયો.
– વિરમગામ ખાતે બે દિવસમાં ૫૦૦૦થી વધુ લોકોએ આયુર્વેદિક ઉકાળો પીધો.
વિરમગામના APMC ખાતે તા.૨૨/૦૮/૧૭ના રોજથી બપોરના ૦૩:૦૦ કલાકથી સ્વાઇન ફ્લુ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનું તથા હોમિયોપેથીક પ્રિવેન્ટીવ ડ્રગનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યુ છે. પ્રથમ બે દિવસમાં ૫૦૦૦થી વધુ લોકોએ સ્વાઇન ફ્લુ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળો પીધો હતો. આગામી તા.૨૬/૦૮/૨૦૧૭ સુધી ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ કલેક્ટરની સૂચનાથી સ્વાઇન ફ્લુ અંગે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી સાણંદ પ્રાંતકચેરી ખાતે સાણંદ મામલતદારના અધ્યક્ષ સ્થાને વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલ હતો.
ઘરઘથ્થુ આયુર્વેદિક ઉકાળો બનાવવા અંગે આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડો.કોમલ કટારાએ જણાવ્યુ હતુ કે, ૧ લીટર ચોખ્ખુ પાણી, ૧૫ તુલસીના પાન, ૫ અરડુસીના પાન, અડધી ચમચી ગળો, અડધી ચમચી સુંઠ અથવા આદુ, અડધી ચમચી હળદર, અડધી ચમચી અજમો, ૧૦ નંગ મરી અને અડધી ચમચી ગળો એક તપેલીમાં મિક્સ ૩ ભાગ પાણી બળે ત્યાં સુધી ઉકાળવું ત્યારબાદ ચોખ્ખા કપડાથી ગાળીને હુંફાળો ઉકાળો યોગ્ય માત્રામાં પીવો જોઇએ. ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓએ ૨૫ મીલી, ૧૦ થી ૧૮ વર્ષના વ્યક્તિઓએ ૧૦ મીલી અને ૧૦ વર્ષથી નાના ઉંમરના બાળકોએ ૫ મીલી ઉકાળો પીવો જોઇએ.
વિરમગામ તથા સાણંદ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, સ્વાઇન ફ્લુથી ગભરાવાની જરૂર નથી. ફક્ત સાવચેતી રાખવી જરૂરી છે. વિરમગામ તથા સાણંદ તાલુકામાં દરેક પ્રા.આ.કેન્દ્ર ખાતે સ્વાઇન ફ્લુની પૂરતા પ્રમાણમાં દવા ઉપલબ્ધ છે. જે વ્યક્તિને શરદી, ખાંસી, ગળામાં દુખાવો અને તાવ જેવુ લાગે તો તુરત જ નજીકનાં પ્રા.આ.કેન્દ્રની મુલાકાત લેવી. સામાન્ય શરદી, ખાંસીમાં પણ હાલનાં સંજોગો જોતા તાત્કાલીક દવા લેવી જોઇએ.
પ્રા.આ.કેન્દ્ર,ઝોલાપુરના મેડીકલ ઓફિસર ડૉ.દક્ષેસ સોલંકી એ સ્વાઇન ફ્લુ શું છે? કેવી રીતે ફેલાય છે? સાવચેતીનાં પગલા? લેબોરેટીરી તપાસ વિગેરે વિશે વર્કશોપમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સચિત્ર સમજણ આપવમાં આવી હતી.