ભડાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઓરી રૂબેલા રસીકરણ પછી ડાન્સ કર્યો.
ઓરી રુબેલા રસીકરણ અંગે કેટલાક લોકો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ભડાણા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઓરી રૂબેલા (M.R.) રસી મુકાવ્યા પછી ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓએ ઓરી રૂબેલાની રસીકરણ પછી ડાન્સની મજા માણી હતી. ભડાણા પ્રાથમિક શાળામાં ૯૫ વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરાના આરોગ્ય કાર્યકર દ્વારા રસીકરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરાના મેડીકલ ઓફિસર ડો.રવીન્દ્રસિંહ વાઘેલા, વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયેશ વી પટેલ, શાળાના આચાર્યશ્રી, હર્ષાબેન, તારાબેન સહિતના શિક્ષકો, આરોગ્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા જિલ્લા RCHO ડો.ગૌતમ નાયકના માર્ગદર્શન મુજબ ઓરી રૂબેલા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. ભારત સરકારે ઓરી-રૂબેલા (M.R.) માટે સંયુક્ત રસીનો આરંભ કરવા અંગે નિર્ણય લીધો છે. શરૂઆતમાં આ રસી અભિયાન તરીકે આપવામાં આવશે, ત્યારબાદ તેનો સમાવેશ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ઓરી- રૂબેલાની રસી સ્વરૂપે કરવામાં આવશે. તેને ઓરીના પહેલા ડોઝ અને બીજા ડોઝને સ્થાને આપવામાં આવશે. ઓરી-રૂબેલા રસીનો પ્રારંભ તબક્કાવાર તમામ રાજ્યમાં કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ૧૬મી જુલાઇથી ઓરી રૂબેલા રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવેલ છે. ઓરી-રૂબેલા અભિયાન ૯ માસથી ૧૫ વર્ષના વય જૂથ વચ્ચેના તમામ બાળકો માટે છે, પછી ભલે તેમને અગાઉ ઓરી-રૂબેલાની રસી આપવામાં આવી હોય કે ન આપેલ હોય. ઓરી એક ઘાતક રોગ છે અને તે બાળકોમા અકાળે થતા મૃત્યુના મુખ્ય કારણોમાંથી એક છે. ઓરી ખૂબ જ ચેપી હોય છે, જે ચેપજન્ય વ્યક્તિના ખાંસવા અને છીંકવાથી ફેલાયછે. ઓરીને કારણે આપના બાળકમા પ્રાણઘાતક સમસ્યાઓની સંભાવનાઓ વધી જાય છે. જેમ કે ન્યુમોનિયા, ઝાડા અને મગજનો તાવ. સામાન્ય રીતે ઓરીના લક્ષણો આ મુજબ છે: ચહેરા પર ગુલાબી-લાલ ઝીણી ફોલ્લીઓ, વધુ પડતો તાવ, ખાંસી, નાક વહેવું અને આંખો લાલ થઇ જવી. રૂબેલા રોગ જો સ્ત્રીને ગર્ભાવસ્થાની શરૂઆતમાં રૂબેલાનો ચેપ લાગી જાય, તો સી.આર.એસ. (જન્મજાતરૂબેલા સિન્ડ્રોમ) વિકસિત થાય છે, જે ભ્રૂણ અને નવજાત શિશુઓ માટે ગંભીર અને ઘાતક સાબિત થઈ શકે છે. પ્રારંભિક ગર્ભાવસ્થા દરમિયાન જો સગર્ભાને રૂબેલાનો ચેપ લાગ્યો હોય તો, જન્મેલા બાળકમાં લાંબાગાળાની જન્મજાત ખામીઓથી પીડિત થવાની શક્યતાઓ વધી જાય છે, જેના કારણે આંખ (ગ્લુકોમા, મોતિયાબિંદુ), કાન (બહેરાશ), મસ્તિષ્ક (માઇક્રોસિફેલી, માનસિક મંદતા) પર અસર પહોંચે છે તેમજ હૃદયની ખામીઓનું જોખમ વધી જાય છે. રૂબેલાને કારણે ગર્ભવતી સ્ત્રીમાં ગર્ભપાત, અકાળે પ્રસૂતિ અને મૃત પ્રસૂતિની સંભાવનાઓ વધી જાય છે.