NILKANTH VASUKIYA – VIRAMGAM
– પહેલા આંસુ કૃતજ્ઞતા ના છે, બીજા આસુ કલ્પાંત ના છે અને ત્રીજા આંસુ કરૂણા ના છે : પ.પૂ આચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા
– દુનિયામાં એક પણ અમીર એવો નથી કે જેણે કોઇનો ઉપકાર ન લીધો હોય ને અમીર બની ગયો હોય અને બીજા પર ઉપકાર ન કરી શકે તેવો કોઇ ગરીબ પણ નથી.
ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત, 326 ભવ્ય પુસ્તકોના સર્જક, કેન્દ્ર સરકાર દ્વારા પદ્મભુષણ વિભૂષિત, સરસ્વતી લબ્ઘપ્રસાદ પ.પૂ આચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. નુ વિરમગામ ખાતે તારીખ ૧૪/૦૩/૧૮ને બુધવારના રોજ ગોલવાડી દરવાજા પાસે ભવ્યાતીભવ્ય સામૈયુ કરવામાં આવ્યુ હતુ. ગોલવાડી દરવાજાથી જૈનવાડી સુધી અનેક જગ્યાએ ધજા પતાકાઓ બાંધવામાં આવી હતી. પ.પૂ આચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.નું ૫૧ દિકરીઓએ માથે બેડા લઇને સ્વાગત કર્યુ હતુ. સ્વાગત કાર્યક્રમમાં બેન્ડ, ઢોલ નગારા સહિતના અનેક વાદ્યો વગાડવામાં આવ્યા હતા. સામૈયામાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઇ બહેનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પ.પૂ આચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. ચર્તુવિધિ સંઘ સાથે શ્રી શાલીભદ્ર આરાધના ભવન, સંઘવી ફળી વિરમગામ ખાતે પધાર્યા છે અને માંગલિક પ્રવચન ફરમાવ્યુ હતુ.
જૈનવાડી વિરમગામ ખાતે આયોજિત ત્રિ દિવસીય ભવ્ય પ્રવચન માળામાં વહ આંસુ વંદનીય હૈ વિષય પર પ્રવચન આપતા પ.પૂ આચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા એ જણાવ્યુ હતુ કે, ભગવાને આંખ આપી છે તેનો સદઉપયોગ કરીએ છીએ કે દુરઉપયોગ. ભગવાને આપેલા જીવનનો સદઉપયોગ કરીએ છીએ કે દુરઉપયોગ. આપણે તો દુરઉપયોગ જ વધુ કરીએ છીએ. દુનિયામાં એક પણ અમીર એવો નથી કે જેણે કોઇનો ઉપકાર ન લીધો હોય ને અમીર બની ગયો હોય અને બીજા પર ઉપકાર ન કરી શકે તેવો કોઇ ગરીબ પણ નથી. આંસુ જેવી શ્રેષ્ઠતમ સાધના કોઇ નથી. જેની પાસે આંસુ છે તે અમીર છે. પહેલા આંસુ કૃતજ્ઞતા ના છે. બીજા આસુ કલ્પાંત ના છે અને ત્રીજા આંસુ કરૂણા ના છે. પોતાના જીવના જોખમે પણ માતા બાળકને જન્મ આપે છે. માતાનું સન્માન કરવુ જોઇએ. આપણા ઘરે ૫૦ લોકોને બોલાવીને પણ માતાને નમસ્કાર કરવા જોઇએ. ખીસ્સામાં પૈસા ગમે તેટલા હોય પણ બહાર ન નિકળે ત્યા સુધી કઇ મળી શકતુ નથી. કોઇ પણ વ્યક્તિ પ્રત્યે ગમે તેટલો પ્રેમ હોય પણ અભિવ્યક્ત ન કરો તો પ્રેમ ન મળી શકે.