NILKANTH VASUKIYA – VIRAMGAM
ક્ષેત્રીય કક્ષાએ ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓને તેમની ફરજ તથા જવાબદારીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.
મલેરિયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અભિયાનના ભાગરૂપે રાજ્યભરમાં ૧૦૪ ફિવર હેલ્પ લાઇન ટુંક સમયમાં કાર્યાન્વિત કરવામાં આવનાર છે. ફિવર હેલ્પ લાઇનની કાર્યપધ્ધતિ અને ખાસ કરીને ક્ષેત્રીય કક્ષાએ ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ફરજ તથા જવાબદારીઓ વિશે માહિતગાર કરવા માટે વિરમગામ તાલુકા સંલગ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ તાલીમ આપવામાં આવી હતી. વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજીત ૧૦૪ ફિવર હેલ્પ લાઇન તાલીમમાં તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, એસ.એલ.ભગોરા, કે.એમ.મકવાણા, ગૌરીબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વાહકજન્ય રોગ જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના નિદાન માટે તાવએ રોગનું મુખ્ય ચિન્હ છે. તાવના ચિન્હ ધરાવતા રોગના દર્દીનું સમયસર નિદાન કરીને સંપુર્ણ સારવાર પુરી પાડવામાં આવે તો લાભાર્થીને પડતી શારીરિક અને આર્થિક મુશ્કેલીમાંથી મુક્તિ અપાવી શકાય છે. હાલમાં રાજ્યમાં આરોગ્ય કાર્યકરો દ્વારા પખવાડીક સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવે ત્યારે જનસમુદાયમાં રહેલ તાવના કેસ અંગેની જાણ થાય છે. સર્વેલન્સ દરમ્યાન વ્યક્તિ હાજર ન હોય તો તાવના કેસનું રીપોર્ટીંગ થઇ શકતુ નથી. ૧૦૪ ફિવર હેલ્પલાઇન કાર્યાન્વિત થતા ફોન કોલ દ્વારા થતા રીપોર્ટીંગની મદદથી તાવના કેસના દર્દી સુધી ૨૪ કલાકની અંદર પહોચીને દર્દીને સંપુર્ણ સારવાર આપવામાં આવશે.
જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી મેલેરીયા ઉન્મૂલન અંગેનું અભિયાન શરૂ કરવામાં આવેલ છે અને રાજ્ય સરકાર પણ વર્ષ ૨૦૨૨ સુધીમાં આ ઉદેશ્ય હાંસલ કરવા માટે કટીબધ્ધ છે. જે જોતા દરેક તાવના કેસનું સમય મર્યાદામાં નિદાન થાય અને સાથે સાથે રોગ નિયંત્રણ પગલાનું પણ અમલીકરણ થાય તે જરૂરી છે. ૧૦૪ ફિવર હેલ્પ લાઇનની કાર્યરચના મેલેરીયા ઉન્મૂલનના લક્ષાંકને હાંસલ કરવામાં પરિણામલક્ષી સાબીત થઇ શકે છે.