PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ વિરામ લેતાં શહેરના નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી ચારેબાજુ જ્યાં જુઓ ત્યાં કાદવકિચડ અને ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, સામાસુરિયા, જુની મીલની ચાલી, ગોલવાડી દરવાજા, બસ સ્ટેશન રોડ, કસ્ટમની ચાલી, ખજુરી પીઠા, હાથી તલાવડી સહિતના નિચાણવાળા વિસ્તારમાં વરસાદ પાણી ભરાઇ જતાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરના હાથી તલાવડી વિસ્તારમાં 400 થી વઘુ મકાનો આવેલાં છે. તેમજ અનેક વિસ્તારોના લોકોને આ ખદબદતી ગંદકીમાંથી પસાર થવું પડે છે. ત્યારે ચોમેર ગંદકીથી માખી- મચ્છરોનો ઉપદ્રવ વઘવા પામ્યો છે જેને લઇને રોગચાળો ફેલાવવાની દહેશત ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પણ વિરમગામ નગરપાલિકાના વહિવટી તંત્રએ પ્રિમોન્સુન પ્લાન અંતર્ગત શહેરની વરસાદી ગટરોની વ્યવસ્થિત સફાઇ ન કરાતાં શહેરમાં આ વર્ષે પણ વરસાદ પાણી અને અસહ્ય ગંદકી માંથી પસાર થવાનો વારો આવ્યો છે. આ બાબતે લોકોની એકજ માંગ છે કે નિચાણવાળા વિસ્તારમાં પાણી દૂર કરવામાં આવે અને વરસાદી ગટર સફાઈ કરવામાં આવે તો ગંદકી દૂર થાય તેમ છે.