- ડર્મેટોલોજીસ્ટ ડો.નેહા જાંગીડ દ્વારા દર્દીઓની તપાસ કરીને જરૂરી સારવાર સલાહ સુચન આપવામાં આવ્યા
અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સંલગ્ન ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી (લેપ્રસી) અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે શુક્રવારે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ચામડીના રોગના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે ચામડીના રોગના નિદાન કેમ્પમાં ડર્મેટોલોજીસ્ટ ડો.નેહા જાંગીડ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી અને જરૂરી સારવાર સલાહ સુચન નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે કેમ્પમાં ડર્મેટોલોજીસ્ટ ડો.નેહા જાંગીડ, ડીએનએમઓ ડો.ગીતાંજલી વોરાહ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક ડો.દિવ્યાંગ પટેલ, ગૌરીબેન મકવાણા, જયેશ પાવરા, કે.એમ.મકવાણા, રાજેશ નિનામા સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. ચામડીના રોગના નિદાન કેમ્પમાં ડર્મેટોલોજીસ્ટ ડો.નેહા જાંગીડે જણાવ્યુ હતુ કે, વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચામડીના રોગના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શરીર પર કોઇ પણ પ્રકારનું સફેદ કે બીજા રંગના કોઇ પણ ચાઠા હોય, શરીરમાં ઝણઝણાટી થતી હોય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ અને શંકાસ્પદ રક્તપિત્તની તપાસ કરાવવી જોઇએ. આ કેમ્પમાં ખરજવા, દાદર સહિતના ચામડીના રોગવાળા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને જરૂરી સલાહ સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત રક્તપિત્તના રોગથી બચવાના ઉપાયો, ચામડીના રોગથી બચવાના ઉપાયો અંગે દર્દીઓને સમજ આપવામાં આવી અને ચામડીના રોગવાળા દર્દીઓએ શુ તકેદારી રાખવી જોઇએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.