FARUK PATEL – SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી ખાતે રામરહિમ ગ્રૂપ દ્વારા એક નાઈટ ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેંટમાં ટેનિસ બોલ દ્વારા ૧૦ – ૧૦ ઓવરની મેચ રમાડવામાં આવી હતી. સંજેલી ખાતે માંડલી રોડ પર ગૌચરવાળી જમીનમાં ક્રિકેટ મેદાન બનાવવામાં આવ્યું છે ત્યાં મેચ રમાડવામાં આવી હતી, જેમાં ગુજરાત તેમજ આંતરરાજ્યની કુલ ૧૨૮ જેટલી ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. જે બાદ રવિવારના રોજ રાત્રે સેમીફાઇનલ મેચમાં દિવડા ઇલેવન સામે દાહોદની નાદિર ઇલેવનની જીત થઈ હતી તેમજ બીજી સેમી ફાઈનલમાં જીન્સ ઇલેવન મેથાણને મેચમાં હંફાવી સંતરોડ ઇલેવને જીત મેળવી હતી.
રામરહિમ નાઈટ ક્રિકેટની ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં દાહોદની નાદિર ઇલેવને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં ૮૫ રનનો પડકાર સંતરોડ ઇલેવનને આપ્યો હતો. આ મેચમાં નાદિર ઇલેવન અને સંતરોડ ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો અંતે સંતરોડ ઇલેવને ૧૦મી ઓવરના પ્રથમ બોલે જ ચોકકો ફટકારી વિજેતા થઈ હતી. આમ સંતરોડ ઇલેવનની જીત થતાં સ્પોન્સર માંડલી ગ્રૂપ ગ્રામ પંચાયત (સમરસ) ના સરપંચ જશુભાઇ બામણીયાએ પોતાની ટીમને વધાવી અભિનંદન પાઠવ્યા હતા.
વિજેતા ટીમને રૂપિયા ૧,૦૦,૦૦૦/- નો ચેક આપવામાં આવ્યો હતો અને રનર અપ ટીમને રૂપિયા ૩૩,૩૩૩/- નો ચેક રામરહિમ ગ્રૂપ દ્વારા આપવામાં આવ્યો હતો.
મેન ઓફ ધી મેચ તરીકે સંતરોડ ઈલેવનના ખેલાડી ઇસ્માઇલભાઈ ને રૂપિયા ૨૧૦૦/- રોકડા, નાદિર ઇલેવનના ખેલાડી પિંટુભાઈને સેમીફાઇનલ મેચમાં મેન ઓફ ધી મેચ તરીકે રૂપિયા ૨૧૦૦/- રોકડા, બેસ્ટ સિકસર માટે મેથાણની જીન્સ ઈલેવનના ખેલાડી કાલીબાબુને રૂપિયા ૧૧૦૦/- રોકડા પુરસ્કાર વાંસિયાના કબીર મંદિરના મહંત શ્રી ૧૦૮ સેવાદાસજી સાહેબ તરફથી એનાયત કરવામાં આવ્યા હતા. ટીમનું સંચાલન રમેશભાઈ સોલંકી (માંડલી આ.શી.) દ્વારા કરવામાં આવ્યું હતું.