THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
વિશ્વના દેશો તથા સમગ્ર ભારતમાં તથા ગુજરાતમાં નોવેલ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ રોગને પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન જાહેર કરેલ છે. ભારત સરકાર દ્વારા આ રોગનો ફેલાવો ન થાય તે માટે સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરેલ છે. અને તેની અમલવારી માટે વિવિધ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. જેની અમલવારી કરાવવા તેમજ આ રોગના કારણે થતી ખુંવારી અટકાવી શકાય તે માટે દાહોદ જિલ્લાની મહેસૂલી હદ વિસ્તારમાં કોરોના વાયરસના રોગને ફેલાતો અટકાવવા અને નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાય નહીં તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૪) મુજબનું જાહેરનામું હાલમાં અમલમાં છે.
વહીવટી તંત્ર દ્વારા આ સમય દરમિયાન કરિયાણા, શાકભાજી, દૂધ તથા મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવા તથા હોમ ડીલેવરી કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ જાહેરનામાથી દાહોદ જિલ્લામાં ટુ વ્હીલર વાહનો ઉપર એકથી વધુ વ્યક્તિના પ્રવાસ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. તેમ છતાં ટુ વ્હીલર વાહનો ઉપર એકથી વધુ સવારી બેસીને લોકડાઉન દરમિયાન આપવામાં આવેલ છૂટછાટનો જાહેર જનતા દ્વારા દુરુપયોગ કરવામાં આવે છે. ખાસ કરી દાહોદ શહેરમાં બિનજરૂરી હેરફેર ચાલુ રહે છે, અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ દાહોદ જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય ખરાડીએ સમગ્ર દાહોદ શહેરમાં ટુ વ્હીલર વાહનોના ઉપયોગ કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે. આવશ્યક ચીજ-વસ્તુઓની ખરીદી માટે કે અનિવાર્ય સંજોગોમાં બહારગામથી આવનાર ટુ વ્હીલર વાહન ચાલકોએ દાહોદ શહેરની હદમાં પ્રવેશ કરતા પહેલા તેમના વાહનો પોલીસ કર્મચારીઓની સુચના મુજબ શહેર બહાર પાર્ક કરીને શહેરમાં પ્રવેશ કરવાનો રહેશે.
આ જાહેરનામું સમગ્ર દાહોદ શહેરની હદ વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામાનો હુકમ જાહેર સેવાઓ તથા ઇમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલ સ્ટાફના વાહનો તથા સક્ષમ અધિકારીની મંજૂરી મેળવનારને લાગુ પડશે નહીં.
આ જાહેરનામું હુકમ તા.૧૦/૦૪/૨૦૨૦ થી તા.૧૪/૦૪/૨૦૨૦ સુધી (બંને દિવસ સહિત) અમલમાં રહેશે. આ હુકમ અન્વય દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારી/કર્મચારીઓને ફરિયાદ દાખલ કરવા નગરી અધિકૃત કરવામાં આવે છે. આ હુકમનો ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે. તેઓ જિલ્લા કલેકટર વિજય ખરાડી એ જાહેરનામામાં જણાવેલ છે