THIS NEWS IS SPONAORED BY –– RAHUL HONDA
યોજનાઓનું સારી રીતે અમલીકરણ કરી તેનો જરૂરતમંદ લાભાર્થીને મળે એવું આયોજન જરૂરી – રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ
કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનું સુચારૂ અમલીકરણ થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લાકક્ષાએ રચવામાં આવેલી ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા) ની આજે ચોસાલા સ્થિત સદ્દગુરુ ફાઉન્ડેશન ખાતે મળી હતી. જેમાં વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, દાહોદનો મહત્વાકાંક્ષી જિલ્લામાં સમાવેશ થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના છેવાડાના લોકોના વિકાસ તથા કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ઘર સુધી પીવાના પાણી, માર્ગો, પાકા આવાસો, આરોગ્ય, શિક્ષણ જેવી પાયાની બાબતો ઉપર સરકાર દ્વારા લક્ષ્ય આપવામાં આવી રહ્યું છે, ત્યારે સૌ અધિકારીઓ પોતાના હસ્તકની યોજનાઓનું સારી રીતે અમલીકરણ કરી તેનો લાભ જરૂરતમંદ લાભાર્થીને મળે એવું આયોજન કરે એ જરૂરી છે. દિશા કમિટીના અધ્યક્ષ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાંભોરે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૭૨૦૦ કરોડનું અત્યાર સુધીમાં ફાળવવામાં આવ્યું છે. જેના થકી આદિવાસી વિસ્તારમાં વિવિધ પ્રકારના વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. જશવંતસિંહ ભાભોરે ઉમેર્યું કે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલામાં મૂકવામાં આવી છે, ત્યારે તેનો લાભ છેવાડાના માનવીને મળે એ જરૂરી છે. આ માટે દાહોદ જિલ્લાના તમામ અધિકારીઓ એક ટીમ બનીને જનસેવાનું આ મહામૂલું કામ કરે અને સરકારની જનકલ્યાણની ભાવના સાકાર કરે. જ્યાં પણ સંકલનનો અભાવ હોય ત્યાં તે પૂર્ણ કરી લેવો જોઇએ, તેવું તેમણે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકની શરૂઆતમાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સૌ કોઇને આવકારી આ બેઠકનું કાર્યસૂચિ વર્ણવી હતી. બન્ને મહાનુભાવોએ પાણી પુરવઠા, શિક્ષણ, આરોગ્ય, આવાસ, કૃષિ, માર્ગો, વીજળી, જમીન માપણી જેવી વિવિધ યોજનાની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર અને રમેશભાઇ કટારા, જિલ્લા વિકાસ અધિકારી રૂચિત રાજ, પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બલાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.