NILKANTH VASUKIYA – VIRAMGAM
– ગુજરાત સરકારના મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે કીટ વિતરણ કરાયુ
– કીટ વિતરણ બાદ મંત્રી સહિતના અધિકારી, પદાધીકારીઓ દ્વારા મમતા ઘર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણી નિમિત્તે નન્હી પરી અવતરણ કીટ વિતરણ કાર્યક્રમમાં ૮મી માર્ચ ૨૦૧૮ને ગુરૂવારે માહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સરકારના અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહકો બાબતનો વિભાગના મંત્રી જયેશભાઇ રાદડીયા ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણી નિમિત્તે નન્હી પરી અવતરણ અંતર્ગત જન્મેલ બાળકીઓને પોસ્ટ નેટલ વોર્ડ ખાતે મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યુ હતુ. કીટ વિતરણ બાદ મમતા ઘર તથા સા.આ.કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી. નન્હી પરીને પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો જેની પર સરસ્વતી અને લક્ષ્મીનો માર્ક છે, આકર્ષક પેકિંગમાં શુધ્ધ મિઠાઈ, ઝભલુ, ટોપી, હાથ-પગના મોજા, રૂમાલ, સાબુ, સેનેટરી નેપકીન સહિતની કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાન્ત ઓફિસર આઇ.આર. વાળા, જીલ્લા આરસીએચઓ ડો.ગૌતમ નાયક, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, અધિક્ષક મહેરઅસ્મા રંગુનવાલા, ડીઆઇઇસીઓ વિજય પંડીત, પુર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, નગરપાલીકા પ્રમુખ કાન્તિભાઇ પટેલ,ઉપ પ્રમુખ નવદિપ ડોડીયા, શહેર ભાજપ પ્રમુખ નરેશ શાહ સહિત મોટી સંખ્યામાં પદાધીકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહકો બાબતનો વિભાગના મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યુ હતુ કે, આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નન્હી પરી અવતરણ યોજનાના ભાગરૂપે વિરમગામ આવવાનું થયુ છે. આજે જન્મેલ દિકરીઓના વધામણાનો કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવેલ છે. સ્ત્રી ભૃણ હત્યા અટકે અને વધારેમાં વધારે દિકરીઓનો જન્મ થાય તે માટે રાજ્યસરકાર કટીબધ્ધ છે. તેના માટે આવી ઉજવણી કરીને પ્રોત્સાહન આપી ઝુંમબેશ રૂપે સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે. આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની હ્યદય પુર્વકની ખુબ ખુબ શુભકામના પાઠવુ છું. બજેટમાં પણ મહિલાઓને પ્રાધાન્ય મળે તે દિશામાં રાજ્ય સરકારના હરહંમેશ પ્રયાસો રહ્યા છે. આજે જે દિકરીઓનો જન્મ થયો તેને હું તો માનુ છુ કે તેઓ ભાગ્યશાળી દિકરીઓ છે. આપણી બધાની સામુહિક ફરજ છે કે આવનાર દિવસોમાં ઝુંબેશને અભિયાનના ભાગરૂપે આગળ વધારીએ અને ખરા અર્થમાં મહિલા દિનની ઉજવણી થાય તે માટે સામુહિક પ્રયાસો કરવા જોઇએ.