NILKANTH VASUKIYA – VIRAMGAM
(૧) વાત થોડી હૂંફની (૨) વાત બે પળની (૩) વાત દીકરીની-દીકરીએ જ સાસરે કેમ જવાનું ? (૪) અક્ષિતારક (૫) વાત@હૃદય.કોમ એમ કુલ પાંચ પુસ્તકોના લેખક અને હાલમાં જ છઠ્ઠુ પુસ્તક “વાત ચપટીક સુખની” લખનાર સ્નેહા પટેલ એક કવિ, લેખક તથા ઉત્તમ બ્લોગર છે. તેમના પુસ્તકોમાં સમાજ જીવનમાં બનતી વિવિધ ઘટનાઓને ક્રિએટીવ રીતે રજુ કરવામાં આવે છે. “વાત ચપટીક સુખની” પુસ્તકના શીર્ષકનો અર્થ સૌ કોઇ જાણે જ છે પરંતુ તેનો ભાવાર્થ વિશાળ છે. રસોઇમાં ચપટી મીઠું અથવા સ્વાદ અનુસાર મીઠુ આવુ વાક્ય સાંભળ્યુ જ હશે. આ ચપટી મીઠાનો રસોઇમાં કેટલો પ્રભાવ હોય છે, એ આપ સમજો જ છો. બસ આવો જ પ્રભાવ લેખક સ્નેહા પટેલની “વાત ચપટીક સુખની” પુસ્તકની વાર્તાઓમાં છે. આ વાર્તા સંગ્રહમાં જીવનના, પારિવારીક સંબંધોના, પડોશી, પતિ-પત્ની, સમાજ કે પછી સ્ત્રી જીવનની સાહજિક બાબતો તથા એના પ્રત્યે સમાજના દ્રષ્ટીકોણને આબેહુબ ઝીલ્યા છે. આ ઉપરાંત “ચપટીક” ઉપાય દ્વારા જીવનમાં કેવી રીતે શાશ્વત સુખ મેળવી શકાય તેની વાત સરળ, સહજ શૈલીમાં રજુ કરવામાં આવી છે.
“ભુલક્કડ” વાર્તામાં સ્ત્રીની પારિવારિક, સામાજીક, માનસિક સ્થિતિનું જે રીતે વર્ણન કર્યુ છે તેને ઝીલી શકાય તો મને લાગે છે કે અનેક પરિવાર ફરીથી કિલ્લોલ કરતા થઇ જાય. લેખક સ્નેહા પટેલે એક મનોવિજ્ઞાનીને છાજે એ રીતે એક માતાની મનઃસ્થિતિને રજુ કરી છે. “સ્વ-સ્વિકાર” વાર્તાને લેખકના સ્વ-સાથે જોડીને જોઇ શકાય. એ સિવાય પણ કેટલીક અન્ય વાર્તાઓમાં સ્વાનુભવની છાંટ દેખાયા વિના રહેતી નથી. “અમાનવીય વ્યવહાર” માં અકસ્માત અને ફ્રેક્ચરની ઘટના એવી વાર્તા બનીને આવે છે કે જે તદ્દન સામાન્ય લોકો માટે પણ એક ચોટદાર સંદેશ આપી જાય છે. તો “અડસઠમું વર્ષ”માં એકલા પડેલા સિનીયર સિટિઝનના કારણે દીકરી-જમાઇ, પુત્ર-પુત્રવધુને પડતી મુશ્કેલીઓ તથા છેવટે પુત્ર દ્વારા આપવામાં આવેલી શીખામણ ત્રાજવામાં સાહિત્ય તરફ ભલે ન ઢળે પરંતુ આ વાર્તા વાંચીને કેટલાક લોકોના હ્રદયમાં ઝણઝણાટી થાય તો તે વૃધ્ધાશ્રમમાં વડીલોની સંખ્યા ઓછી કરવા માટે નિમિત બની શકે છે. “વાત ચપટીક સુખની” વાર્તાસંગ્રહમાં આપણી માતૃભાષા તથા અનામત જેવા મુદ્દાઓ પર લેખકની નિસ્બત સાવ સહજ છતાં ચોટદાર સંવાદો દ્વારા વ્યક્ત થાય છે.
લેખક સ્નેહા પટેલે નાની વાર્તાઓ અને દ્રષ્ટાંતોથી વિચારની અસરકારકતા લગાવી છે, જે સોને પે સુહાગા જેવું લાગે છે. આમ જીવનને સોળે કળાએ ખીલવતા શીખવે તેવું આ પુસ્તક જાણે સ્વયં વાચાળ બનીને આપને આહવાન કરે છે કે તું મારી પાસે આવી જા, જ્યા “વાત ચપટીક સુખની” છે.