- સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગોબરઘન પ્રોજેક્ટ
- આ એક જ પ્રોજેક્ટ થકી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા સાથે વિજળી, ગેસ, ખાતર સહિતના લાભો
- લીમખેડામાં વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટના ૧૬૦ લાભાર્થીઓનો મળી રહ્યો છે લાભ
કોઇ એક યોજનાના એક જ પ્રોજેક્ટ થકી ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા, વિજળી, ગેસ, ખાતર, આરોગ્ય જેવી પાયાની જરૂરીયાતો પૂર્ણ થતી હોય તે એક ચમત્કાર જેવી બાબત લાગી શકે છે. પરંતુ સરકારની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગોબરઘન પ્રોજેક્ટ થકી પશુપાલકો-ખેડૂતો ઉક્ત તમામ સુવિધાઓ સાવ નજીવા ખર્ચે પ્રાપ્ત કરી રહ્યાં છે. આ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાનો મોટા ભાગનો ખર્ચ સરકાર જ ઊઠાવી રહી છે.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગોબરઘન પ્રોજેક્ટ થકી દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ૨૦૦ લાભાર્થીઓને ઘરે ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટના ઇન્સ્ટોલેશનની કામગીરીના લક્ષ્યાંક સાથે કામગીરીનો પ્રારંભ ડીઆરડીએ અંતર્ગત કરાયો છે. જેમાં ૧૬૦ જેટલા વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટના લાભાર્થીઓને અત્યાર સુધીમાં લાભ પ્રાપ્ત થયો છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારો માટે ગોબરઘન એક મહત્વની યોજના સાબિત થઇ છે. બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારના પશુ છાણને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ગ્રામ્ય વિસ્તારોને વિજળી, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીનો એક સ્ત્રોત તથા બહેનોના સ્વસહાય જૂથોની ખાદ્યમંડળીઓ વગેરે ઉદ્દેશ્ય સર કરવાનો યોજનાનો મહત્વનો ઉદ્દેશ્ય છે.
આ યોજના અંતર્ગત દાહોદના લીમખેડા તાલુકાના કુલ ૯ ગ્રામ પંચાયતોમાં કલસ્ટર બેઇઝ વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટના કુલ ૨૦૦ લાભાર્થીઓનો લક્ષ્યાંક છે. જેમાં એનડીડીબી આણંદ અમલીકરણ એજન્સી દ્વારા હાલમાં જિલ્લાના કુલ ૧૬૦ લાભાર્થીઓને ઘરે ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટના ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા બે થી ત્રણ પશુ ધરાવતા દૂધ ઉત્પાદકો લઇ શકે છે. આ યોજનાના લાભથી દર મહિને ૧ થી ૨ ગેસની બોટલ જેટલો ગેસ ઉત્પાદન થાય છે. જેથી ગેસના બોટલ પાછળ થતા ખર્ચની બચત થાય છે. તથા ઓર્ગેનીક ખાતરનું ઉત્પાદન કરી બચત અને આવક મેળવી શકાય છે.
તેમજ વધુમાં બાયોગેસ પ્લાન્ટની સ્લરી ઉત્તમ કાર્બનિક ખાતર છે. કારણ કે તે મુખ્ય નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ અને સુક્ષ્મ પોષક તત્વોથી સમૃદ્ધ છે. સ્લરીથી જમીનની ફળદ્રપતા પણ સુધારી શકાય છે. આ સ્લરીનું વેચાણ કરીને આવક પણ મેળવી શકાય છે.
આ પ્લાન્ટના ઇન્સ્ટોલેશન થકી સ્વચ્છતાનું પ્રમાણ પણ જળવાઇ છે. તેમજ આ પ્લાન્ટ થકી મળતા ગેસથી કોઇ પણ પ્રકારનો ધૂમાડો ન થતો હોય મહિલાઓ માટે મોટો આરોગ્ય લાભ થાય છે અને તેઓ ચૂલાના ધૂમાડાની હેરાનગતિથી મુક્ત પણ બને છે.
આ પ્લાન્ટ માટેનો અંદાજિત ખર્ચ ૪૭ હજાર જેટલો થાય છે. જેમાં સ્વચ્છ ભારત મીશન ગ્રામીણ અંતર્ગત ૨૫ હજાર તેમજ ૧૭ હજાર મનરેગા યોજના અંતર્ગત ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. જયારે લાભાર્થીએ માત્ર ૫ હજાર જેટલો નજીવો ખર્ચ ઉઠાવવાનો રહે છે.
લીમખેડા તાલુકામાં બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલેશનની કામગીરી સફળતાપૂર્વક લાગુ થયા બાદ બીજા તાલુકાઓમાં પણ આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે.