આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી અને બાગાયતી વિભાગ દ્વારા આપવામા આવતી તાલીમ, સહયોગ અને માર્ગદર્શન વડે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી.
કાશ્મીરી – એપલ બોરની વિવિધ જાતોના ૪૦૦ અને ૫૦૦ સરગવાની ખેતી સહિત ગલગોટા, સરગવો, પપૈયા, રીંગણ, પાલક, ધણા, ટામેટા, સફરજન, મીઠી લીમડી અને આમળાની ખેતી કરીને અન્ય ખેડુતો માટે બન્યા પ્રેરણારૂપ.
જંતુ નાશક દવા પણ જો જાતે જ બનાવી શકાતી હોય તો પછી આ રાસાયણિક ખાતર અને દવાઓ પાછળ નકામા ખર્ચ કેમ કરવા, જો કે, આપણને ખબર છે કે, આ આપણાને આર્થિક તેમજ સ્વાસ્થ્યની રીતે નુક્સાનકારક છે. – પ્રગતિશીલ ખેડુત મંગળભાઇ ડામોર
સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ બની છે. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર સ્તંભ એવા દેશી ગાયના છાણ અને ગૌ-મુત્રમાંથી ખાતર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. ખેતી એ ભારત દેશનો મુખ્ય વ્યવસાય છે. ભારતમાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. ખેતીના કારણે મબલખ અનાજ ઉત્પાદન થતા ખેતીની બાબતમાં ખેડૂતો આત્મનિર્ભર બન્યા તો ખરા પરંતુ ખેડૂતોએ પાકનું વાવેતર વધારવા માટે રાસાયણિક ખાતર અને બિયારણનો ઉપયોગ કરતાં જમીનની ફળદ્રુપતા ઘટી, પાકની ગુણવતા ઘટી, આર્થિક જાવક વધુને આવક ઘટી, અળસીયાનો નાશ થયો, પાકનો સ્વાદ છીનવાઈ ગયો એ સાથે મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ આ બાબત ગંભીર જણાતા કુદરતી ખેતી તરફ ફરીથી પ્રયાણ કરવું જરૂરી બન્યું.
રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગને કારણે ભૂમિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ વધ્યું, સાથે-સાથે લોકોના સ્વાસ્થ્યને પણ ભારે નુકશાન થઈ રહ્યું છે. કેન્સર, ટી.બી. જેવા જીવલેણ રોગો અકાળે થઇ રહ્યા છે. ત્યારે કેમિકલયુક્ત ખાતર અને દવાઓના છંટકાવ પર રોક લગાવવી અનિવાર્ય બની ગઈ છે. જેના નિવારણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવી વધુ યોગ્ય છે.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રળિયાતી ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી બોરની ખેતીમાં નવી પહેલ કરીને ખેતી ક્ષેત્રે એક નવો ચીલો ચિતર્યો છે. તેમણે ૨૦૨૧ મા વર્ષથી પોતાની ૧ એકર જમીનમા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. એમણે આસામથી લાવેલ વિવિધ પ્રકારના બોરના છોડ આજે તેમને ઘણી કમાણી અપાવી રહ્યા છે. પોતાની ૧ દેશી ગાયના છાણ-મુત્ર વડે તેઓ જાતે જ ખાતર અને દવાઓ બનાવીને જાત મહેનત વડે સંતોષી જીવન જીવી રહ્યા છે.
તેઓ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી એ રાસાયણિક ખેતીથી અનેકગણી ચડિયાતી છે, રાસાયણિક ખેતી વડે જમીન કડક અને નિર્જીવ થઇ જાય છે. પાકમા સ્વાદ ર્હેતો નથી, રાસાયણિક ખેતી વડે પકવેલ પાક એક પ્રકારે ઝેર યુક્ત પાક ગણી શકાય. જે ખાનાર સૌને આગળ જતા સ્વાસ્થ્ય માટે નુક્સાન કરી શકે છે. એક રીતે આપણે આપણી જમીન, વાતાવરણ, જીવજંતુઓ અને મનુષ્યો માટે અત્યંત હાનિકારક છે. જ્યારે પ્રાકૃતિક ખેતી તમામ પ્રકારે લાભકારી છે. જંતુ નાશક દવા પણ જો જાતે જ બનાવી શકાતી હોય તો પછી આ રાસાયણિક ખાતર અને દવાઓ પાછળ નકામા ખર્ચ કેમ કરવા, જો કે, આપણને ખબર છે કે, આ આપણાને આર્થિક તેમજ સ્વાસ્થ્યની રીતે નુક્સાનકારક છે.
મંગળભાઇ ડામોરએ આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી અને બાગાયતી વિભાગ દ્વારા આપવામા આવતી તાલીમ, સહયોગ અને માર્ગદર્શન વડે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવીને સાબિત કર્યું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિના ઉપયોગ થકી ખરેખર સારું પરિણામ મેળવી શકાય છે. તેમની સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી છે. ટપક સિંચાઇ ખેતી પદ્ધતિના ઉપયોગ થકી ખેતી કરવાથી ખેડૂતો માટે એક સારો વિકલ્પ છે. તેનાથી ન માત્ર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે છે પરંતુ તે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.
પ્રાકૃતિક ખેતી એ ખેડૂતો માટે ફાયદા કારક ખેતી છે, જેમાં સારી આવકની સાથો-સાથ જમીન માટે પણ ફળદાયી છે. સારુ પાક ઉત્પાદન મળવાથી સારી કિંમત મળે છે અને આમ, ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને છે, પ્રાકૃતિક ખેતીમાં ખાસ કોઈ ખર્ચ થતો નથી. અળસિયા વધતા જમીનમા ભેજ રહેતો હોવાથી પાણીની જરૂર વધારે પડતી નથી.
આ પદ્ધતિમાં દેશી ગાય અને તેના મળ-મૂત્રનો ઉપયોગ કરી ખેતી કરવામાં આવે છે, જે પર્યાવરણ, જમીન, પાણી, પાક તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી નીવડે છે. આધુનિક સમયમાં વધતાં જતા વસ્તી વધારા, જળવાયું પરિવર્તન તેમજ ભૂમિ પ્રદૂષણના કારણે પર્યાવરણ અને લોક સ્વાસ્થ્ય સામે સંકટ ઊભું થયું છે ત્યારે તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવે એ આવશ્યક બની ગયું છે.
દાહોદ જિલ્લાના ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતી કરવા તરફ પ્રયાણ કર્યું છે, તેમજ સરકારશ્રી દ્વારા અપાતી વિવિધ યોજનાઓ હેઠળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક તેમજ સાધનિક જેવી વિવિધ સહાય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. સરકાર પણ કુદરતી ખેતી પદ્ધતિને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મક્કમ અને કટીબદ્ધ છે.