શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લધુ વ્યાપારી માનધન યોજના હેઠળ નોંધણી કરવામાં આવશે.
દાહોદ જિલ્લામાં લીમખેડાના દુધીયા ગામથી ગત રોજથી પેન્શન સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો છે. ૩૦ નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી ચાલનારા આ પેન્શન સપ્તાહનો રાજય મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જશંવતસિંહ ભાભોરે દુધિયા ગામમાં એક કાર્યક્રમમાં આ યોજનાનો જિલ્લામાં પ્રારંભ કરાવ્યો છે.
મંત્રી બચુભાઇ ખાબડે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વ્યાપારી માનધન યોજના નાના વેપારીઓ માટેની પેન્શન યોજના છે. ૧૮ થી ૪૦ વર્ષ વચ્ચેની વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે. જેમાં ૬૦ વર્ષની વય પછી ઓછામાં ઓછુ ૩૦૦૦ રૂપીયાનું માસીક પેન્શન મળે છે. આ યોજનાનું ૫૦ ટકા પ્રીમિયમ કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં આવશે અને પેન્શનની ચુકવણી એલ.આઇ.સી. દ્વારા કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યાપારી તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર નોંધણી કરાવી શકે છે.
જિલ્લાના સાંસદ જશંવતસિંહ ભાભોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા માટે સમ્રગ રાજયમાં આ સપ્તાહ દરમ્યાન પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લધુ વ્યાપારી માન ધન યોજના હેઠળ પેન્શન સપ્તાહની ઉજવણી કરવમાં આવી રહી છે. યોગ્યતા ધરાવનાર નાગરિકે આ યોજનાનો મહત્તમ લાભ લેવો જોઇએ.
જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી એ આ યોજના છુટક મજુરી કરતા શ્રમ યોગીઓ અને નાના ધંધા કરતા વેપારીઓ માટે આશીર્વાદ સમાન હોવાનું જણાવ્યું હતું અને સૌને આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે મંજુરી પત્રો પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર, જિલ્લા પક્ષ પ્રમુખ શંકરભાઇ અમલીયાર, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર. પરમાર, શ્રમિકો, વેપારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા