કાશ્મીરમાં ભારતીય મોદી આર્મી (બીએમએ)ના પોસ્ટર્સ ધ્યાનમાં આવતા બીજેપીમાં ખળભળાટ મચી ગયો છે. પક્ષે પોલીસ પાસે બીએમએ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. બીજી તરફ બીએમએનું કહેવુ છે કે, આ મોદીના ફેન્સનું 7 વર્ષ જુનુ ઇન્ટરનેશનલ વર્ક છે. આની સાથે 14 લાખ કાર્યકરો જોડાયેલા છે જેઓ મોદીની સેકયુલર ઇમેજને પ્રોજેકટ કરી રહ્યા છે.
મળતા અહેવાલો મુજબ ભાજપે કાશ્મીરના આઇજી જાવેદ ગીલાનીને પત્ર લખી બીએમએની ફરિયાદ કરી છે. ભાજપે માંગણી કરી છે કે, બીએમએની પ્રવૃતિઓને અટકાવી જોઇએ. જો કે ગીલાનીએ કહ્યુ છે કે, ભાજપ તરફથી કોઇ પત્ર મળ્યો નથી. અત્રે એ નોંધનીય છે કે, બીએમએ શ્રીનગરના રાજબાગ વિસ્તારમાં સોમવારે પોતાની ઓફિસનું ઉદ્દઘાટન કર્યુ હતુ. ભાજપનું કહેવુ છે કે, અમારે બીએમએ સાથે કોઇ લેવા-દેવા નથી. અમારી લોકોને અપીલ છે કે, આ લોકોની જાળમાં લોકો ન ફસાય. ભાજપનો આરોપ છે કે, કેટલાક બદમાશ લોકો બીએમએ નામનું સંગઠન ચલાવી રહ્યા છે આ સંગઠન શું કરે છે ? તે ખબર નથી. જમ્મુ-કાશ્મીર ભાજપના મહામંત્રી અશોક કોલના કહેવા મુજબ અમે આ નામથી કોઇ પાર્ટી બનાવી નથી. જે પણ મોદી કે પક્ષના નામનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ લોકો સમક્ષ ઉઘાડા પડી જશે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ બીએમએ મોદીના ફેન્સનું એક સંગઠન છે. આ સંગઠનના એક મેમ્બરે કહ્યુ છે કે, અમારો હેતુ મોદીજીના મિશન અને વિઝનને લોકો સુધી પહોંચાડવાનું છે જેઓ તેમને અને તેમના કામને નથી જાણતા તેમના સુધી વાત પહોંચાડવામાં આવશે. બીએમએના પ્રમુખ રાજીવ આહુજા કહે છે કે, અમારા સંગઠનને તમે ભાજપનું પોલીટીકલ સેલ માની ન શકો. મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિત 19 રાજયમાં અમારૂ સંગઠન છે અને 14 લાખ ભારતમાં અને દોઢ લાખ વિદેશમાં મેમ્બરો છે. આહુજાના ફેસબુક એકાઉન્ટ ઉપર તેમના મોદી અને અમિત શાહ સાથે અનેક ફોટા છે.
બીએમએના આહુજા કહે છે કે, અમારા સભ્યો દેશને ઘણો પ્યાર કરે છે. અમે કોઇ પક્ષ નથી કે ચૂંટણી લડવાના નથી. અમે એટલુ કહીએ છીએ કે, જો મત આપવો હોય તો મોદીને આપો. બીએમએ એવા વિસ્તારમાં કામ કરે છે જયાં ભાજપની મોજુદગી નથી એટલે કે, નોર્થ ઇસ્ટ અને કાશ્મીરમાં.