PRIYANK CHAUHAN – GARBADA
દાહોદ જિલ્લો એટલે આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો, આ જિલ્લાની આદિવાસી પ્રજામાં હોળીના પર્વનું અનેરું મહત્વ છે. દાહોદ જિલ્લામાં હોળીના પર્વની સાથેસાથે પરંપરાઓ સાથે જોડાયેલા વિવિધ મેળાઓ પણ ભરાય છે. હોળીના પર્વ બાદ છઠના દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં સ્વંયવરની પ્રથા સાથે જોડાયેલો પ્રસિદ્ધ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો આજે તા.૦૭/૦૩/૨૦૧૮ બુધવારના રોજ ભરાયો હતો. આ મેળામાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો મેળાની મોજ માણવા જેસાવાડા ગામે ઉમટી પડયા હતા. પરંતુ જેના માટે આ મેળો પ્રસિધ્ધ હતો તે સ્વંયવરની પ્રથાની પરંપરા સમય જતાં વિસરાઇ ગઈ છે અને ફકત મનોરંજન અને આનંદ માટે જ આ ગોળ ગધેડાનો મેળો ભરાય છે.
જેસાવાડા ગામમાં પંચાયત ઓફિસ પાસેના ચોકમાં ૩૦ ફુટ જેટલો ઊંચો સીમળાનો લીસ્સો થાંભલો રોપવામાં આવ્યો હતો અને તેની ટોચ પર ગોળ ભરેલી પોટલી બાંધવામાં આવી હતી. આજુબાજું ગામોના નવયુવાનો પોતાની બહાદુરી બતાવવા છોકરીઓની સોટીઓનો માર ખાતા જઈને પણ લીસ્સા થાંભલા પર બીજાને પાડીને પોતે થાંભલા ઉપર ચઢી ગોળની પોટલી ઉતારવાની કોશિશ કરતાં હતા અને આજના મેળામાં જેસાવાડા ગામનો અનિલ દિનેશભાઈ કટારા નામનો યુવક થાંભલા પર પ્રથમ ચઢીને ગોળની પોટલી ઉતારતા તે વિજેતા બન્યો હતો.
વર્ષો અગાઉ ગોળ ગધેડાને મેળામાં છોકરીઓની નેતરની સોટીનો માર ખાતા જઈને સિમળાના લીસ્સા થાંભલા ઉપર ચઢી ગોળની પોટલી ઉતારી વિજયી બનનારા યુવાનના મનગમતી યુવતી સાથે લગ્ન કરાવવામાં આવતા હોવાથી આ મેળો આદિવાસીઓના સ્વયંવર તરીકે ઓળખાતો હતો પરંતુ આજે શિક્ષણનો વ્યાપ વધતા હવે આ સ્વયંવરની પ્રથા રહી નથી અને સમય જતાં વિસરાઇ જવા પામી છે અને હવે માત્ર ગોળગધેડાનો મેળો ભરાય છે અને માત્ર મનોરંજન થાય છે પણ સ્વયંવર થતો નથી.