ભારત સરકાર દ્વારા તાજેતરમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) બનાવ્યો છે. આ કાયદાને લઈ સમગ્ર દેશમાં ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ આ કાયદાને સમર્થન પણ આપવામા આવી રહ્યું છે. ત્યારે લોકોને આ કાયદાની સાચી જાણકારી અને માર્ગદર્શન આપવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નાગરિક્તા સંશોધન કાયદા (CAA) – ૨૦૧૯ ઉપર અત્યાર સુધીનું સૌથી મોટુ જન જાગરણ અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ભાજપાના નેતાઓ નાગરિક્તા સંશોધન કાયદા (CAA) – ૨૦૧૯ ના ફાયદા જણાવવા અને તેનું સમર્થન મેળવવા માટે ચર્ચાઓ કરશે અને લોકોને આ કાયદાથી વાકેફ પણ કરશે.
નાગરિક્તા સંશોધન કાયદા (CAA) – ૨૦૧૯ ના સમર્થન માટે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમા જન સમર્થન રેલી કાઢી જન જાગરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આજરોજ ગરબાડા તાલુકામાં ગરબાડા-ગાંગરડી તથા જેસાવાડા ખાતે સુધીરભાઈ લાલપુરવાલાના અધ્યક્ષસ્થાને જ્યારે ધાનપુર તાલુકાના પિપેરો ખાતે માજીધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની ઉપસ્થિતિમાં જનજાગરણ અભિયાન અંતર્ગત નાગરિક્તા સંશોધન કાયદા (CAA) – ૨૦૧૯ ના સમર્થન માટે જન સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લાના ભાજપના નાનામોટા હોદ્દેદારો તેમજ નાગરીકો રેલીમાં જોડાયા હતા અને જન સંપર્ક કરી લોકોને આ કાયદા વિષે માહિતગાર કર્યા હતા.