સરકાર દ્રારા ગઇ કાલથી પાંચ દિવસ માટે રવિ કૃષિ મહોત્સવોનો પ્રારંભ થયો છે. દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના એ.પી.એમ.સી. ખાતે રાજયકક્ષાના ગૃહમંત્રી. રજનીકાંત પટેલના વરદ હસ્તે અને દાહોદના સંસદસભ્ય જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિમાં દિપ પ્રાગટય સાથે રવિકૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રજનીકાંત પટેલ જણાવ્યું હતું કે રાજયના તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જોયું કે અર્થતંત્રમાં મોટો હિસ્સો ખેડૂતોનો છે. તેમ દૃઢ નિશ્વય સાથે ખેડૂતોને ખેતી લક્ષી યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી કૃષિ મહોત્સવો પ્રથમવાર દેશમાં ગુજરાતમાં ૨૦૦૨-૨૦૦૩ માં શરૂ કરવામાં આવ્યા. ગતિશીલ ગુજરાતના પ્રણેતા શ્રીમતી આનંદીબેન પટેલે એક કદમ વધારી ખેડૂતો માટે રવિ કૃષિ મહોત્સવનું ગત વર્ષથી આયોજન કર્યું. તેનો મુખ્ય હેતુ રવિ ૠતુના પાકમાં પડતી જીવાતો, આધુનિક બિયારણો, પ્રમાણસર ખાતરનો ઉપયોગ, સાધન સહાય, ચોકકસ માર્ગદર્શન ખેડૂતોને આપવાનો છે. આ કૃષિ મહોત્સવ થકી જિલ્લાના ખેડૂતો રોકડીયા પાકો, બાગાયતી પાકો, ફુલોની ખેતી વગેરે કરતા થયા છે. અને તેઓનો આર્થિક વિકાસ થયો છે. સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોની ખેતી માટે ખૂબ જ મહત્વનું સાબિત થયું છે. ખેડૂતોને ઉપયોગી એવા ખેત-ઓજારો સહાયના ધોરણે પૂરા પડાયા છે. આમ, કૃષિ મહોત્સવ થકી ખેડૂતોએ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે. આ જિલ્લાની સિંચાઇની સમસ્યાને દૂર કરવા માટે કડાણા આધારિત ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાની યોજના મંજુર થઇ છે. જે ટુંક સમયમાં શરૂ કરાશે. જેના થકી જિલ્લાના ડેમો-તળાવો ચેકડેમોમાં પાણી સંગ્રહ કરી ખેડૂતોને સિંચાઇનું પાણી પુરૂ પાડશે. નરેગા યોજના હેઠળ કુવા ઉંડા કરવા, નવા બનાવવાની યોજના પણ ખેડૂતો માટે આયોજન કરવામાં આવી રહયું છે. ત્યારે તજજ્ઞો-નિષ્ણાતો દ્વારા અપાતા માર્ગદર્શન ખેડૂત પોતાના ખેતર સુધી પહોંચાડશે તો ચોકકસ ફાયદો થશે સાથે આઇ પોર્ટલનો લાભ લેવા શ્રી પટેલે જણાવ્યું હતું.
આ પ્રસંગે દાહોદના સંસદસભ્યશ્રી જશવંતસિંહ ભાભોરે પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે પહેલા ગુજરાત માત્ર ઔધોગિક ક્ષેત્રે જ પ્રગતિ કરતું હતું. પરંતુ રાજયમાં આ કૃષિ મહોત્સવનો-રવિ કૃષિ મહોત્સવો યોજાતા, ખેડૂતોને અધતન-વૈજ્ઞાનિક ખેત પધ્ધતિ, સુધારેલા બિયારણો વાપરતાં, ખેડૂતોની અર્થિક સધ્ધરતા વધી છે. રાજય સરકાર દ્રારા યોજાતા કૃષિ મહોત્સવો ખેડૂતો માટે સાર્થક થયા છે. ખેડૂતો જાગૃત થઇ હજુ વધારે લાભ લેવો જોઇએ એમ શ્રી ભાભોરે જણાવ્યું હતું.તથા કેન્દ્ર સરકારની અને રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી અને તેનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન જિલ્લા વિકાસ અધિકારીશ્રી સતિષ પટેલે કરતાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં કૃષિ મહોત્સવોને સફળતા મળી છે. ખેડૂતો બાગાયતી ખેતી, ટપક સિંચાઇ પધ્ધતિ, રોકડીયા પાકો, અધતન ખેતી, ફુલોની ખેતી કરતા થયા છે. જિલ્લામાં કૃષિક્રાંતિ સાથે શ્વેતક્રાંતિ પણ આવી છે. જેનું શ્રેય મેળામાં મળતા તજજ્ઞોના માર્ગદર્શનને ફાળે જાય છે. જિલ્લાનો કૃષિ વિકાસ દર ઝડપથી વધ્યો છે.સ્થાળાંત્તર પણ ઘટ્યું છે. આભારવિધિ યોજના સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી મનાતે કરી હતી.
મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કૃષિલક્ષી વિવિધ યોજનાના ચેકોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેતી લક્ષી, પશુપાલન, ટપકસિંચાઇ પધ્ધતિ તથા જુદી જુદી સરકારી યોજનાના ૨૦ જેટલા પ્રદર્શનસ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઇ કટારા,તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઇ નિનામા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતિ સુમનબેન ડામોર નગરપાલિકા પ્રમુખ યગ્નેશભાઇ પંચાલ, પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભૂરિયા, , મામલતદાર , ખેડૂત ભાઇ-બહેનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આચાર્ય ઉમેશ પટેલ, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ, સરપંચો મોટી સંખ્યામાં ખેડૂત ભાઇ બહેનો વગેરે ઉપસ્થિત રહયા હતા.