– નોવેલ કોરોના વાયરસ અંગે જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરીને કોરોના વાયરસથી બચવાના ઉપાયો, હાથ ધોવાની રીત સમજાવાઇ
હાલની કોરોના વાયરસની પરિસ્થીતીને ધ્યાનમાં રાખીને કલેક્ટર અમદાવાદ અને જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદની સુચના મુજબ અમદાવાદ જીલ્લાની ગ્રામ્ય કોર્ટ સહિતના સરકારી બિલ્ડીંગોમાં એક સાથે ફોગીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નોવેલ કોરોના વાયરસ અંગે જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરીને કોરોના વાયરસથી બચવાના ઉપાયો, હાથ ધોવાની રીત સમજાવવામાં આવી હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતીષ મકવાણા તથા જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ હાઇકોર્ટ, સોલા સિવીલ હોસ્પિટલ, અસારવા સિવીલ હોસ્પિટલ, આઇ હોસ્પિટલ, મીરઝાપુર કોર્ટ, ભદ્ર કોર્ટ, ગાંધી આશ્રમ, કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત કચેરી, ગીતા મંદિર બસ સ્ટેન્ડ, રાણીપ બસ સ્ટેન્ડ અને વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ, બાવળા , ધોળકા, ધંધુકા કોર્ટમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, નોવેલ કોરોના વાયરસ એ વાઇરસથી થતો એક પ્રકારનો રોગ છે. તે પ્રાણીઓથી માણસને અને માણસથી માણસને ફેલાતો રોગ છે. હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. જો કોઈ વ્યક્તિએ ચીન, જાપાન, ઇરાન, થાઈલેન્ડ, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, હોંગકોંગ, મલેશિયા, ઇટલી, ફ્રાંસ, તાઇવાન, વિયતનામ, કેનેડા, સહિત કોઈપણ કોરોના અસરગ્રસ્ત દેશની મુલાકાત લીધી હોય અથવા તો વિદેશથી આવેલા કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને કોઇ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકમાં આવેલા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાઇરસના ચેપથી ચોક્કસ બચી શકાય તેમ છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢા ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ.