- આરોગ્ય વિભાગ, પોલીસ, વહિવટી તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાઓ ભરવામાં આવ્યા
- પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઇન કરી ઘરની બહાર ન નિકળવા સુચના અપાઇ
અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા કુમરખાણ ગામના એક યુવકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ, પોલીસ, વહીવટી તંત્ર દ્વારા કોરોના રોગ અટાકાયતી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. વિરમગામના કુમરખાણ ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગની ૬ ટીમ દ્વારા કુમરખાણ ગામના ૬૨૦ ઘરોનો રોજે રોજ સઘન સર્વેલન્સ કરૂ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા નાકાબંધી કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોની અવર જવરને અટકાવવામાં આવી રહી છે. વિરમગામ નગર પાલીકા અને જીલ્લા મેલેરીયા શાખા, અમદાવાદની ટીમ દ્વારા કુમરખાણ ગામમાં દર્દીના ઘર સહિતના તમામ વિસ્તારોમાં સેનેટાઇઝેશન કરવામાં આવ્યુ હતુ. વિરમગામના ઇન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ સુરભી ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સતિષ મકવાણાના માર્ગદર્શન મુજબ કુમરખાણ ગામમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિરલ વાઘેલા, એ.ડી.એમ.ઓ શિલ્પા પટેલ, મેડીકલ ઓફિસર ડો.રાકેશ ભાવસાર સહિતના અધિકારીઓ દ્વારા આરોગ્યલક્ષી તમામ કામગીરીનું સુપરવિઝન કરવામાં આવી રહ્યુ છે.
વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, કુમરખાણ ગામમાં કોરોના પોઝીટીવ કેસ આવતા કુમરખાણ ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહર કરવામાં આવેલ છે. દર્દીના સંપર્કમાં આવેલા ૨૧ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે અને તેઓને ઘરની બહાર ન નિકળવા માટે જણાવવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી શરૂ કરાઇ છે અને શરદી, ઉઘરસ વાળા દર્દીઓને શોધીને સારવાર આપવામાં આવી રહી છે. હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાઇરસના ચેપથી ચોક્કસ બચી શકાય તેમ છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢા ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ.