THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS
આજે વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને નાથવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરેલ છે. આ લોકડાઉનમાં લોકોને રોજગારી મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા અને અભલોડ ગામોમાં મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા ગામોના તળાવ ઊંડા કારવાની કામગીરીની મુલાકાત દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે લીધી હતી. ગરબાડા તાલુકાના તળાવ ઊંડા કરવાની કામગીરીનો સાંસદ જશવંતસિંહ ભાભોરે વિગતવાર અહેવાલ મેળવ્યો હતો. ગાંગરડા તળાવ ઊંડું કરવાની કામગીરીમાં ૧૦૦ શ્રમિકો અને અભલોડ તળાવ ખાતે ૨૦૦ શ્રમિકો કામગીરી કરી રોજગારી મેળવી રહ્યા છે. આ મનરેગાની કામગીરીમાં જોતરાયેલા શ્રમિકોને કોરોના રોગ પ્રતિરોધક માસ્ક, આયુર્વેદિક ઉકાળા, ઠંડા પીણાની બોટલ સહિત બિસ્કીટનું વિતરણ સાંસદ જશવંતસિંહ ભાભોર તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. તદુપરાંત આરોગ્યની ટીમ દ્વારા શ્રમિકોનું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દાહોદ જીલ્લા મહામંત્રી દિપેશભાઈ લાલપુરવાલા, ગરબાડા મંડલ પ્રમુખ ખીમાભાઈ સંગાડા, મંડલ મહામંત્રી હિતેશભાઈ સોલંકી અને ચંદુભાઈ ગણાવા, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ભરતભાઈ અમલીયાર, અગ્રણી સર્વે મહેન્દ્રભાઈ ભાભોર, રમેશભાઈ માવી અને મહિલા અગ્રણી શાંતાબેન ગણાવા, તાલુકા સભ્યો, ગામના સરપંચ વિશેષ ઉપસ્થિત રહયા હતા. આ તબક્કે જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોરે ગ્રામીણોમાં કોરોનાની મહામારીનું સંક્રમણ ન થાય તે માટે માસ્ક ફરજિયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા, દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝ કરવા ખાસ જણાવ્યુ હતું. તેમને ડોક્ટરો, પોલીસ કર્મીઓ, ડી.આર.ડી.એ, મામલતદાર સહિતના વહીવટી તંત્રની કામગીરીને પ્રોત્સાહન આપતા બિરદાવી હતી.