દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખની અધ્યક્ષતામાં સ્કુલ ઓફ એક્સલન્સ અંતર્ગત તાલીમનું આયોજન લીમખેડા બી.આર.સી ભવનમાં કરવામાં આવ્યું હતું.
ટૂંક સમયમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે, ત્યારે નવા સત્રમાં નવા શૈક્ષણિક અભિગમ અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક હેતુ માટે લીમખેડા, સીંગવડ અને સંજેલી તાલુકાના તમામ સી.આર.સી. / બી.આર.સી. કો-ઓ. ની તાલીમનું આયોજન કરવાંમાં આવ્યું હતું. નવા સત્રમાં હાલની પરિસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ આપવાનું થતું હોય તે અંગે બાળકો સુધી શિક્ષણ પહોંચે તે અંગે ચર્ચા કરવાંમાં આવી હતી. ગુજરાત સરકારની સ્કુલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશ કરી તે વિશે તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્કુલ ઓફ એક્સલન્સ અંતર્ગત સમગ્ર રાજ્યમાં નવીન માળખાકીય સુવિધા સભર શાળાઓ શરૂ કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં રેસીડેન્સી – 350 શાળા સમગ્ર રાજ્યમાં અને તાલુકા દીઠ -1 તથા ઈમરર્જિંગ (ઉભરતી) શાળા – સમગ્ર ગુજરાતમાં 6000 તથા ક્લસ્ટર દીઠ – 1 એસ્પીરેશનલ (મહત્વકાક્ષી) શાળાઓ સમગ્ર રાજ્યમાં 9000 પ્રથમ તબક્કા તથા 5000 બીજા તબક્કામાં શરૂ કરવામાં આવશે. તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આવનાર શૈક્ષણિક સત્રમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેવા ધ્યેય અને સૂચના તથા માર્ગદર્શન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા આપવામાં આવ્યું હતું. તાલીમમાં તાલુકા પ્રા.શિ. અધિકારી સરોજબેન ચૌધરી. બી.આર.સી, સી.આર.સી.ઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. સુમન પટેલ દ્વારા કરવામાં આવ્યું.