દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે આવેલા સભાગૃહમાં જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓનું આયોજન હાથ ધરાયું હતું. આ પરીક્ષાઓ આગામી તા. ૧૮ થી તા. ૨૨ જુલાઇ દરમિયાન યોજાશે.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આ પરીક્ષાના સુચારૂ સંચાલન અંગે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા અને પરીક્ષાર્થીને પરીક્ષા સ્થળે કોઇ પણ પ્રકારની અસુવિધા ન થાય અને શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેનું યોગ્ય આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું. પૂરક પરીક્ષાના તમામ કેન્દ્રો ખાતે સઘન પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે અને કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટેના કલેક્ટરશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા.
પૂરક પરીક્ષા માટેના કેન્દ્રો ઉપર વીજળીની વ્યવસ્થા, પરીક્ષાર્થીઓ સમયસર પહોંચે એ માટે એસટી બસોની વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ અતિસંવેદનશીલ કેન્દ્રો ખાતે એસઆરપી જવાનો સહિતની સઘન સુરક્ષા વ્યવસ્થા બાબતે વિગતે આયોજન કરાયું હતું. ધોરણ ૧૦ અને ૧૨ ની આ પૂરક પરીક્ષા અંદાજે ૭૦૪૪ જેટલા વિદ્યાર્થીઓ આપશે. જેમાં ધોરણ ૧૦ ના ૩૨૦૦ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ ના ૩૪૮૦ સામાન્ય પ્રવાહ અને ૩૬૪ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. આ પૂરક પરીક્ષા માટે સીસીટીવી સહિતની તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરાઇ છે. ધોરણ ૧૦ ની પરીક્ષા ૨૦ પરીક્ષા કેન્દ્રો ખાતે, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧૯ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૨ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે.
પરીક્ષાર્થીઓની મદદ કરવા માટે જિલ્લામાં એક કંટ્રોલ રૂમ પરીક્ષાના ૪૮ કલાક અગાઉ શરૂ કરાશે. જેનો સંપર્ક નં. ૦૨૬૭૩-૨૩૯૧૦૦ છે. આ નંબર ઉપર સંપર્ક કરીને પરીક્ષાર્થીઓ પોતાની મુંઝવણ કે સમસ્યાનું સમાધાન મેળવી શકશે. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવે, એ.એસ.પી. જગદીશ બાંગરવા, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રી ઓ તેમજ શાળાના આચાર્યશ્ર ઓ, શિક્ષક સંઘના પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતા.