ગરીબ કલ્યાણ મેળાઓ ખરા અર્થમાં ગરીબોની સેવા – દિવ્યાંગ લાભાર્થી નાગરિક અભેસિંહભાઇ પટેલ
દાહોદ જિલ્લામાં ૧૩ મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો છે અને ગરીબ કલ્યાણ મેળામાં ફક્ત એક જ દિવસમાં ૨૭૬૦ લાભાર્થીઓને રૂ. ૧૦.૦૩ કરોડથી વધુ રકમની વિવિધ સહાયનું વિતરણ થયું છે. રાજ્ય સરકારની અનેક યોજનાઓના લાભ સીધે સીધા પારદર્શક રીતે ગરીબોના હાથમાં પહોંચાડવાનો આ સેવાયજ્ઞ અનેક ગરીબ નાગરિકોના ચહેરા પર સ્મિત લઇને આવ્યો છે ત્યારે ગરીબ નાગરિકોના જીવનમાં મોટી રાહત લાવનારા ગરીબ કલ્યાણ મેળાનો લાભ લેનારા નાગરિકોના પ્રતિભાવ જાણીએ.
દેવગઢ બારીયાના વીરોલ ગામના વતની દિનેશભાઇ વણકર જણાવે છે કે, હવે અમને પશુપાલનમાં સારી રીતે કરી શકીશું. મને અનુસુચિત જાતિના પશુપાલકોની પશુ રહેણાંક માટે કેટલ શેડ બાંધવા માટે રૂ. ૩૦ હજારની સહાય આપવામાં આવી છે. કેટલ શેડ માટેની અમને ખૂબ જરૂરત હતી પરંતુ ગરીબ કલ્યાણ મેળામાં આ લાભ મળવાથી અમે કેટલ શેડ બનાવી શકીશું. દાહોદના યુવાન ડામોર રીતેશ કહે છે કે, ગરીબ કલ્યાણ મેળામાં અમને દૂધના ધંધા માટે જરૂરી સાધન સહાય મળી છે. અમે હવે અમારા ધંધાને વિસ્તારી શકીશું. આ રીતના સાધન ખરીદવાની અમારી ક્ષમતા નહોતી પરંતુ ગરીબ કલ્યાણ મેળા અમારા માટે આર્શીવાદ બનીને આવ્યા છે.
ગરબાડાનાં અભલોડ ગામના રહેવાશી રજનીકાંત પરમાર જણાવે છે કે, ગરીબ કલ્યાણ મેળામાં મને મારા ગાભણ પશુ માટે ખાણદાણની સહાય મળી છે. આ સહાય મળવાથી અમારા ગાભણ પશુની સારી રીતે કાળજી લઇ શકીશું. ગરીબ કલ્યાણ મેળામાં લીમખેડાના ઉમેદપુરા ગામના પટેલ અભેસિંહભાઇને દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત રૂ. ૫૦ હજારની સહાય મળતા તેઓ ખુબ ખુશ છે. તેઓ જણાવે છે કે, અમને દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત અમને આ લાભ મળ્યો છે. ગરીબ કલ્યાણ મેળાઓ ખરા અર્થમાં ગરીબોની સેવા કરી રહ્યાં છે. રાજ્ય સરકારનો ગરીબ કલ્યાણ મેળાના આયોજન બદલ ધન્યવાદ.
અંત્યોદયની ભાવ સાથે દાહોદમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાએ હજારો ગરીબ પરીવારોને ખુશીનું કારણ આપ્યું છે. ગરીબ લાભાર્થી નાગરિકોને વિવિધ યોજનાઓનો લાભ સીધે સીધો જ મળ્યો છે. કેટલાંય ગરીબ લોકોને સુથારી કામ, દરજીકામ, પ્લમ્બર જેવા કામોથી લઇને પોતાના ઉદ્યોગ ધંધાને નવી પાંખો આપવા માટે સહાય આ ગરીબ કલ્યાણ મેળામાં મળી છે. વિધા સાધના યોજના અંતર્ગત સાયકલ મળતા ગરીબ વિદ્યાર્થીઓ સુખેથી પોતાનો અભ્યાસ કરી શકશે. ગરીબ કલ્યાણ મેળા સાચા અર્થમાં ગરીબ લોકો માટેના સેવાયજ્ઞ બન્યા છે.