ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદ એ વર્ષ – ૨૦૧૭ થી સિવિલ હોસ્પિટલ દાહોદનો હવાલો મેળવ્યા બાદ ગરીબ, આદિવાસી દર્દીઓની સારવાર માટે અવાર નવાર વધારો કરવા પ્રયત્નશીલ રહેલ છે. જે અનુસાર અત્રેની હોસ્પિટલ ખાતે વધારાની સગવડ “ન્યુરો સર્જરી” ની કરવામાં આવેલ છે. જેમાં “મગજ” ના તથા “મણકા” ના વિવિધ પ્રકારના ઓપરેશનની સારવાર ચાલુ કરવામાં આવેલ છે. જે અનુસાર તા.૧૫/૦૨/૨૦૨૩ ના રોજ તાત્કાલિક સારવાર વિભાગમાં રાત્રીના ૧૧:૦૦ કલાકે ડો.ધીરેન હાડા (MCH Neuro Surgery) તથા એનેસ્થેટિક ડો. શૈલેષ પટેલ અને તેઓની ટીમ દ્વારા ન્યુરો સર્જરીનું પ્રથમ સફળ ઓપરેશન કરવામાં આવેલ તથા આજ દિન સુધી કુલ ન્યુરો સર્જરીના ૦૯ (નવ) સફળ ઓપરેશન કરવામાં આવેલ છે.
અગાઉ આકસ્માતના કારણે ન્યુરો સર્જરીની સારવાર મેળવવા માટે વડોદરા, અમદાવાદ વિગેરે જેવા શહેરો ખાતે દર્દીઓને જવું પડતું હતું, હાલ આ ન્યુરો સર્જરીની સુવિધા ઉપલબ્ધ થતા ગરીબ, આદિવાસી, મધ્ય પ્રદેશ, તથા રાજસ્થાન થી સારવાર માટે આવતા દર્દીઓને “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અન્વયે બિલકુલ નિઃશુલ્ક સારવાર મળી રહે છે. જેથી મુસાફરી, નાણાકીય ખર્ચમાં રાહત તથા સઘન સારવાર મળી રહે છે. જેઓને આ સુવિધા આશીર્વાદ રૂપ થશે.