દાહોદ જિલ્લા પોલીસના LCB ની ટીમે ગુજરાતના 144 ગુનાનો મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પ્રથમ ક્રમાંકે આવતા આરોપીને ઝડપી પાડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
ગુજરાત રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર દ્વારા નાસતા ફરતા તમામ ગુનાના આરોપીઓની ડ્રાઇવની આયોજન કરતા દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાથી વોન્ટેડ ગુનેગારો, પ્રોહી ગુનેગારો, ઘરફોડ તેમજ મોટર સાયકલ ચોરીના ગુજરાત રાજ્યના ટોપ 24 ગુનેગારો તેમજ જિલ્લાની ટોપ 10 ની યાદી તૈયારી કરી તેમના ઉપર રૂપિયા 1,00,000 નું ઈનામ જાહેર કરેલ હતું
આ ભાગેડુ ગુનાઓની વર્કઆઉટ યાદીમાં મધ્ય પ્રદેશના મેઘનગરના ગોવાળી પતરાના પિદિયા રતના સંગાડીયાનું નામ જિલ્લાની સાથે સાથે ગુજરાતમાં ટોપ વોન્ટેડ લિસ્ટમાં મોખરે નંબર 1 ઉપર હતું અને તે કુલ 144 ગુનામાં અને રૂપિયા 2,03,10,655/- ના મુદ્દામાલ ગુનાઓમાં વોન્ટેડ આરોપી હતો. જેને પકડવા દાહોદ LCB પોલીસ ના P.I. કે.ડી. ડિંડોરની આગેવાનીમાં ટીમ બનાવી જેમાં LCB P.S.I. એમ.એલ. ડામોર, LIB P.I ડી.ડી.પઢિયાર તથા પોલીસની ટીમ બનાવી તેઓએ તેના ગામ ગોવાળી પતરા અને આસપાસ તપાસ કરેલ પરંતુ તે હાથ આવ્યો ન હતો, પરંતુ તે ગુજરાત રાજ્યના બોર્ડર પરના સીમાડામાં આવેલ ખરોદા નજીક આલની તળાઈના જંગલમાં હોવાની સચોટ બાતમી મળતા પોલીસની ટીમએ ખાનગી ફોર વ્હીલ ગાડીઓમાં જાનૈયાઓનો વેશ ધારણ કરી નાચતા, ગાતા ખરોદાની આલની તળાઈ જાનૈયાના વેશમાં પહોંચી ગયા હતા અને આરોપી પીદિયા સંગાડીયાને ઝડપી પાડ્યો હતો. આમ દાહોદ LCB પોલીસે ગુજરાતનો અને દાહોદ જિલ્લાનો નંબર 1 મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપી પાડ્યો હતો અને દાહોદ જિલ્લા પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.