જિલ્લા તાલીમ કેન્દ્ર સોલા ખાતે નિષ્ણાંત ટ્રેનરો દ્વારા તાલીમ આપવામાં આવી : પ્રી અને પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી
અમદાવાદના જીલ્લા વિકાસ અધિકારી એમ.કે. દવે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમારના માર્ગદર્શન હેઠળ જીલ્લા મેલેરીયા અધિકારી ડો.ચિંતન દેસાઇ, મેડિકલ ઓફિસર ડો. દક્ષેશ સોલંકી, સિનિયર મેડિકલ ઓફિસર ડો.અતુલ ઘુવડ દ્વારા અમદાવાદ જિલ્લામાં નવી નિમણૂક પામેલા મલ્ટી પર્પસ હેલ્થ વર્કર સહિત 100 થી વધુ મલ્ટી પર્પસ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પસ હેલ્થ સુપરવાઇઝરોને વાહકજન્ય રોગ નિયંત્રણ તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા તાલીમ કેન્દ્ર સોલા ખાતે આરોગ્ય કર્મચારીઓની પ્રી અને પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી.
જીલ્લા મેલેરીયા અધિકારી ડો.ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી મેલેરિયાના કેસોમાં સતત ઘટાડો નોંધાતો રહે છે. જેના પાછળ આરોગ્ય વિભાગની મેલેરીયા શાખા દ્વારા કરવામાં આવતી કામગીરી અને લોકો દ્વારા મળેલ સાથ સહકારને કારણે આ શક્ય બન્યુ છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ દરમ્યાન લોહીના નમૂના એકત્રીકરણ કરવામાં આવે છે, ગામે-ગામ પોરાનાશકની કામગીરી હાથ ધરવામાં આવે છે. નોંન ટ્રાન્સમિશન ઋતુમાં સતત માસ એક્ટિવિટી કરાય છે. તથા જીઆઇડીસી વિસ્તારોમાં અને ટાયર પંચરની દુકાન, એસટી ડેપો, બિન વપરાશી અવાવરૂ મકાનોની, સરકારી મકાનોની ચકાસણી કરવામાં આવે છે. વધુમાં તહેવારોમાં, મેળાઓમાં પણ વાહક જન્ય રોગોની જન-જાગૃતિ લાવી શકાય તેવા અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા છે. આવા સતત પ્રયત્નના કારણે મેલેરિયામાં કંટ્રોલ કરી શકાય છે અને નાબૂદી તરફ આગળ વધી રહ્યા છીએ. જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી રહી છે કે અઠવાડિયામાં એક વખત પાણી ભરવાના પાત્રોની યોગ્ય સાફ-સફાઈ કરવી અને પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ.