પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ દ્વારા સિંચાતી – સચવાતી ખેતી : ધારાસભ્ય રમેશભાઈ કટારા
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ખાતે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ગંગા સ્વરૂપમાં બહેનોને બિયારણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ગામ દીઠ ત્રણ મહિલાઓને સોયાબીન અને મગના બિયારણનું વિતરણ કરાયું હતું.
વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગંગાસ્વરૂપ આ બહેનો આવનારી ઋતુમાં વાવેતર કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સોયાબીન અને મગના બિયારણનું વિતરણ શરૂ કરાયું છે. ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ગામ દીઠ 3 ગંગા સ્વરૂપમાં મહિલાઓને ચાર કિલો સોયાબીન અને ચાર કિલો મગના બિયારણનું વિતરણ કરાયું હતું. ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ઉપસ્થિત મહિલાઓ અને ખેડૂત લાભાર્થીઓને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરવી હવે જરૂરી બની ગઈ છે ખાતર અને જંતુનાશક દવાઓથી આપણે જમીન મૃતપાય બની રહી છે. જેથી દેશી ગાયના છાણ થી પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે તો જ આપણી જમીન જીવંત બની રહેશે તેમ જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સહાયો વિશે માહિતી આપી હતી. અને વનબંધુ કલ્યાણ યોજના હેઠળની કીટનું ગંગા સ્વરૂપમાં બહેનોને વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા, તાલુકા ભાજપા મહામંત્રી નાનુભાઈ ભગોરા, ખેતી વિભાગના અધિકારીઓ, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવકો અને લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.