- વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ૩૨ ગામોમાં ગામદીઠ ૧૦૦ આંબાઓનું વિતરણ કરાયું.
- દાહોદ જિલ્લામાં દરેક પ્રકારની મદદ માટે કાર્યરત પટેલિયા સમાજ.
- લોકફાળો અને લોકભાગીદારીથી લોકો માટે જ કાર્ય કરતો લોકસમુહ એટલે પટેલિયા સમાજ.
દાહોદ જિલ્લો એ ગુજરાત રાજ્યની સમગ્રતયા આદિવાસી વિસ્તારની પૂર્વપટ્ટી ગણાતો આદિવાસી જિલ્લો છે. અહીં ભીલ અને પટેલિયા જાતિ તેમજ પેટા જાતિઓની વસ્તી નગણ્ય સંખ્યામાં રહે છે. દાહોદ તેની આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતો છે. અહીંના આદિવાસી લોકો પોતાની મૂળ સંસ્કૃતિને વળગી રહીને પરંપરાને અનુસરતા હોય છે.
૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ આદિજાતિ પટેલીયા સમાજ દ્વારા દર વર્ષે કોઈને કોઈ અનોખી પહેલ અથવા ગામને મદદરૂપ નીવડે એ ભાવના સાથે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં કોલેજ, શાળાઓ, બ્લડ કેમ્પ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેનું માર્ગદર્શન, હોસ્પિટલમાં પંખાઓનું વિતરણ કરવું, શહેરમાં ટ્રી પ્લાન્ટેશન કરવું, મેડિકલ કેમ્પ, રાહત સામગ્રી, આરોગ્ય, સ્ત્રી શિક્ષણ, દિવ્યાંગો તેમજ વૃધ્ધોને મદદ, વ્યસનમુક્તિ તેમજ બેટી પઢાવો જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેનો લાભ દાહોદના જ આદિવાસી સમાજને મળે છે.
આ આદિવાસી પટેલિયા સમાજ ગ્રુપના સભ્યોમાં સરકારી, અર્ધ સરકારી, પ્રાઇવેટ કંપનીમાં જોબ કરનાર, રિટાયર્નમેન્ટ વ્યક્તિઓ તેમજ બિઝનેસ કરતા લોકોનું બનેલું છે. જેમાં મોટે ભાગે દાહોદની બહાર નોકરી કરતી વ્યક્તિઓ હોય છે. તેઓ પોતાના દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ માટે એટલે કે પોતાના જ ભાઈઓ બહેનો માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આ અભિયાન હાથ ધર્યું છે. જેથી દાહોદમાં પ્રકૃતિ જતન થતું રહે અને ગામના લોકોનો જરૂરી સગવડ પણ મળી રહે.
આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગરબાડા, દાહોદ અને ધાનપુરના કુલ ૩૨ ગામોમાં ગામ દીઠ ૧૦૦ આંબા અને વ્યક્તિદીઠ એક આંબાની કલમ તેમાં પણ દિવ્યાંગ વ્યક્તિ અને વિધવા મહિલાઓને પ્રાથમિકતા આપી વલસાડથી કેસર કેરીના આંબાની કલમ રૂબરૂ જઈ આપવામાં આવ્યું હતું અને આ વિતરણ તદ્દન ફ્રી કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ છેલ્લા ૩ વર્ષથી અલગ અલગ નવા નવા ગામોમાં કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ ગરબાડા, દાહોદ અને ધાનપુર જ્યાં વિસ્તારોમાં ગ્રીનરી થાય લોકો ઘર આંગણે કેસર કેરી ખાતા થાય અને ભવિષ્યમાં જો આબોહવા માફક આવે તો આંબાવાડી કરી અને ગામના જ યુવાઓ રોજગારી તરફ આગળ વધે અને એક ગ્રીન ક્રાંતિની શરૂઆત થાય બસ એ જ એક પ્રયાસ અનુલક્ષીને કાર્યક્રમ કરવામાં આવે છે એમ આ ગ્રુપના સભ્ય સુરેશભાઈએ જણાવ્યું હતું.
આદિજાતિ પટેલીયા સમાજ ટ્રસ્ટ જેનો રજીસ્ટ્રેશન નંબર છે એ-૩૩૩૩ છે. તેમાં રજીસ્ટર થયેલા એકાઉન્ટ નંબરમાં ઓનલાઇન પેમેન્ટથી પૈસાનું સ્વૈચ્છિક દાન આપવામાં આવે છે. કાર્યક્રમને અનુલક્ષીને સમાજના સભ્યો યથાશક્તિ દાન આપે છે. અને તમામના સહકારથી આ એક ભગીરથ કાર્ય કરવામાં આવે છે. આ સંસ્થા છેલ્લા કેટલાક સમયથી કાર્યરત છે.
અગાઉ પણ વિશ્વ આદિવાસી દિવસ માટે વડોદરામાં તમામ સમાજ એક થાય તેના માટે બાઈક રેલી કરી વ્યસન મુક્તિ, સ્ત્રી શિક્ષણ, આરોગ્ય વગેરે અને પ્રકૃતિના જતનનો મેસેજ આપ્યો છે. વડોદરા જેવા શહેરમાં પણ ટ્રી પ્લાન્ટેશન, બ્લડ ડોનેશન કેમ્પ, પૂરગ્રસ્ત સ્થિતિમાં મેડિકલ કેમ્પ અને રાહત સામગ્રી સહાય સાથે સાથે કોરોના સમયમાં ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે ડેડીકેટેડ કોવીડ હોસ્પિટલ હતી તેમાં દર્દીઓને ગરમીમાં રાહત થાય તે માટે ૫૦ ટેબલ ફેનનું દાન આપ્યું હતું અને એ સમયે દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજમાં પણ ૧૫ પંખાનું દાન આપ્યું હતું. સાથે સાથે અન્ય દાતાશ્રીના સહકારથી ગરબાડા સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન કન્સન્ટ્રેશન મશીન તેમજ નાની મોટી સહાય કરવામાં આવી હતી. નોકરી માટેની તૈયારી કરતા દાહોદના વિદ્યાર્થીઓ માટે જીપીએસસીની મોક એકઝામનું પણ આયોજન કરી માર્ગદર્શન પૂરું પાડે છે.
દાહોદ, ગરબાડા, ઝાલોદ, લીમખેડા કે વડોદરાની આસપાસથી આવતા દર્દીઓને જ્યાં પણ બ્લડની જરૂર પડે તો જે પ્રમાણે વ્યવસ્થા થાય એ પ્રમાણે મદદરૂપ થવું જેવી અગત્યની તમામ કામગીરી કરવામાં આવે છે. આ સમાજ તમામ કાર્ય લોકફાળા અને લોક ભાગીદારીથી કરતી સંસ્થા છે અને દરેક સમાજ માટે કાર્ય કરે છે. જેનો મુખ્ય હેતુ શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને પ્રકૃતિનું રક્ષણ તેમજ જતન કરવું એ છે.