ફતેપુરા તાલુકાના ભિટોડી ગામે આઠમી સપ્ટેમ્બર એટલે કે “વિશ્વ સાક્ષરતા દિન” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ શાળાના આચાર્ય દ્વારા બાળકોને “વિશ્વ સાક્ષરતા દિવસ” વિષે તથા તેના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.
૧૭ નવેમ્બર ૧૯૬૫ ના રોજ યુનેસ્કો દ્વારા સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરાઇ હતી. ત્યારબાદ ૧૯૬૬ થી દર વર્ષે ૮મી સપ્ટેમ્બરના રોજ “વિશ્વ સાક્ષરતા દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક નાગરિક સમુદાય તેમજ સમાજ જાણે અને તેના વિશે જાગૃતિ લાવવાનો છે. વિશ્વમાં કોઈ પણ દેશનો વિકાસ તેના સાક્ષરતા ના આધારે નક્કી થતો હોય છે.આપણા દેશમાં આજે પણ ૨૫ ટકા લોકો નિરક્ષર કે અભણ છે. વિશ્વમાં સાચા સમાજની રચના શ્રેષ્ઠ નાગરિકના ઘડતર માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે.
વૈશ્વિક સ્તરે વિકાસશીલ દેશોનો અભ્યાસ કરતા સાબિત થયું છે કે, તેના વિકાસમાં સાક્ષરતાનો ખૂબ જ મોટો ફાળો છે. આજના સમયમાં જ્ઞાન એ જ પૈસો છે. જેથી દરેક નાગરિકે તેના મહત્વને સમજવો ખૂબ જ જરૂરી છે. આ મુજબની માહિતી આપ્યા બાદ બાળકો જોડે ચર્ચા કરતા જાણવા મળ્યું કે ગામમાં ૩૧ ટકા બાળકોના માતા અથવા પિતા બંનેમાંથી એકાદ નિરક્ષર હતું. અને ૧૩ ટકા બાળકોના માતા અને પિતા બંને નિરક્ષર હતા. આ મુજબની માહિતી જાણવા મળી હતી. જેથી દરેક બાળકે નક્કી કર્યું કે, હું મારા માતા-પિતાને બીજા બાળકોના માતા-પિતા ની જેમ લખતા વાંચતા શીખવીશ અને દરરોજ મારી સાથે અડધો કલાક ભણવા માટે બેસાડીશ, અને આવનાર સમયમાં ગામમાં એક પણ વ્યક્તિ નિરીક્ષક કે અભણ ન રહે એ માટે બાળકોએ પહેલ કરી અને ગામને સો ટકા સાક્ષર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ રીતે ગામમાં અને શાળામાં વિશ્વ સાક્ષરતા દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.