દાહોદ નગરમાં એક મહિનાથી ચાલી રહેલા હાઈ વોલટેજ ડ્રામા નો અંત આજે તા.૧૨/૦૯/૨૦૨૩ ને મંગળવારના રોજ આવ્યો હતો. દાહોદ નગર પાલિકાના ઠક્કર બાપા સભાખંડમાં દાહોદ પ્રાંત અધિકારી એન.બી રાજપૂત, નગર પાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ દાહોદ પ્રાંત અધિકારીએ પ્રમુખ અને ઉપ્રમુખ માટે ફોર્મ ભરવાની જાહેરાત કરતા પ્રમુખનું એક ફોર્મ અને ઉપપ્રમુખ માટે પણ એક ફોર્મ ભરાયું હતું.
ત્યારબાદ દાહોદ કમલમ ખાતે થી જિલ્લા પ્રમુખ શંકર આમલીયારની સૂચનાથી પ્રભારી ભરતસિંહ સોલંકી અને મુકેશ બમ દાહોદ નગર પાલિકા સભાખંડમાં ઉપસ્થિત થયા હતા અને તેઓએ પક્ષ તરફથી આપવામાં આવેલ મેન્ડેટને શિલબંધ કવરમાં દાહોદ પ્રંતાધિકરીને સુપ્રત કરતા ફોર્મ ભરાવવાની પ્રક્રિયા બાદ દાહોદ પાલિકા પ્રમુખ તરીકે નીરજ નિકુંજભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે શ્રધ્ધાબેન ભડંગ ની જાહેરાત કરતા હોલ ભારત માતાની જય ના નારાથી ગુંજી ઉઠ્યો હતો અને ત્યારબાદ કારોબારી ચેરમેન તરીકે હિમાંશુ બબેરિયા, પક્ષના નેતા દીપેશ લાલપુરવાલા, દંડક તરીકે અહેમદ રસૂલ ચાંદ અને બાંધકામના ચેરમેન મસુમાબેન ગરબાડાવાળા ની જાહેરાત થઈ હતી.
ત્યારબાદ પ્રમુખ નીરજ દેસાઈને શુભેચ્છા આપવા વણિક સમાજમાંથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને 23 વર્ષ બાદ વણિક સમાજ ને દાહોદ શહેરનું પ્રતિનિધિત્વ મળતા ખુશીની લહેર દોડી ગઈ હતી.