દાહોદમાં આયુષ્યમાન ભવ: અભિયાન હેઠળ ૧૩મી સપ્ટેમ્બર થી વિવિધ કાર્યક્રમ યોજાશે જે અંગે દાહોદ જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે એક પત્રકાર પરિષદ નું કલેકટર હર્ષિત ગોસાવી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટિલાવતની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા આગામી તારીખ 13 મી સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ રીતે દેશભરમાં આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે, જેના અનુસંધાને દાહોદ જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લામાં આયુષ્માન ભવઃ કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓ સુધી તમામ આરોગ્યલક્ષી યોજનાઓ અસરકારક રીતે પહોંચી શકે તે માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજા જનોને આરોગ્યની યોજનાની સંપૂર્ણપણે માહિતગાર કરવા તેમજ યોજનાઓનો સો ટકા લાભ જીલ્લાના છેવાડાના ગામડાના લાભાર્થીઓ સુધી પણ પહોંચે તે માટે 17મી સપ્ટેમ્બર થી આયુષ્માન ભવ: અભિયાન હાથ ધરાશે આ અભિયાન અંતર્ગત તારીખ 13 મી સપ્ટેમ્બર થી 2 જી ઓક્ટોબર દરમિયાન વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ જેવી કે આયુષ્માન કાર્ડ કેમ્પ, રક્તદાન શિબિર સહીત વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આયુષ્માન ભવ: કાર્યક્રમ હેઠળ આયુષ્માન આપકે દ્વાર ત્રીજા તબક્કાનો કાર્યક્રમ કરાશે. જેમાં PMJAY યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ માટે તારીખ 17મી સપ્ટેમ્બરે ઝુંબેશ રૂપે કાર્યવાહી હાથ ધરી એક પણ લાભાર્થી વંચિત ન રહે તેની ખાતરી કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આયુષ્માન મેળા અને આયુષ્યમાન સભાનું પણ આયોજન કરવામાં આવશે તારીખ 17 મી સપ્ટેમ્બર થી 2 જી ઓક્ટોબર સેવા પખવાડીયા તરીકે ઉજવવામાં આવશે. સેવા પખવાડીયા દરમિયાન આરોગ્યને લગતી વિવિધ સેવાઓની પ્રવૃત્તિઓ સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓ ઉપર પણ સ્વચ્છતા અભિયાન અને રક્તદાન શિબિર જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.