જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દાહોદ તથા ગુરુકુળ વિદ્યાલય છાપરીના સંયુક્ત ઉપક્રમે “પરીક્ષા પર્વ” ૬.૦ અંતર્ગત ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય દૂર થાય અને તેઓ પરીક્ષા માટે માનસિક રીતે સુસજ્જ બને તે માટે મોટીવેશનલ સ્પીચનો એક કાર્યક્રમ ગુરુકુળ વિદ્યાલય છાપરી ખાતે યોજાયો હતો. જેમાં મોટીવેશનલ સ્પીકર તરીકે જે.એન્ડ આર. બી. એડ. કોલેજના પ્રાધ્યાપક મૌલિકભાઈ ક્ષત્રિય અને સરકારી પોલીટેકની કોલેજ દાહોદના પ્રાધ્યાપક ઉત્પલ ગણાત્રા એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બંને મોટીવેશનલ સ્પીકરો દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને વાર્તા અને જોક્સ ના માધ્યમથી પરીક્ષાનો હાઉ દૂર થાય અને પરીક્ષાના માનસિક ભયથી તેઓ મુક્ત બને તે રીતે વક્તવ્ય આપ્યા હતા.
દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામાએ વિદ્યાર્થી ઓ તણાવમુક્ત રીતે પરીક્ષા આપે તે માટે સ્વાનુભવ આધારિત ભાથુ પીરસી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષક આર.આર. ભોકણ તથા મોડેલ સ્કૂલ ધાનપુરના આચાર્ય આર.એમ. પ્રજાપતિ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.