લોકસભા સામાન્ય ચૂંટણી બાબતે ચૂંટણીને લગતા કાર્યક્રમો તેમજ રેલીઓના રેકોર્ડ્સ બાબતે માર્ગદર્શન આપવા માટે તમામ AC (સંતરામપુર સહિત) VST ટીમ તથા વિડિઓ તેમજ ફોટોગ્રાફ સાથે જિલ્લા વિકાસ અધિકારી (DDO) ઉત્સવ ગૌતમની અધ્યક્ષતા હેઠળ મિટિંગ યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ઉમેદવારો દ્વારા કરવામાં આવતી રેલીઓ કે કોઈપણ કાર્યક્રમો શરૂ થાય એના પહેલાથી વીડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી ચાલુ કરી દેવી તેમજ કાર્યક્રમ સંપૂર્ણ રીતે પૂરો ના થાય ત્યાં સુધી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવી જરૂરી છે. ઉપરાંત જે – તે સ્થળે કાર્યક્રમ યોજાતો હોય તે સ્થળની આજુબાજુના નજીકમાં પણ જો આચાર સંહિતાનો ભંગ થતો કે કોઈપણ પ્રકારની ગેરરીતિ જણાય કે જાણવામાં આવે તો એ ને પણ ફરજીયાત પણે કવર કરવું જરૂરી છે.
આ સાથે તેમણે ઉંમેર્યું હતું કે, એક ઉમેદવાર દ્વારા અન્ય ઉમેદવારની કરવામાં આવતી ટીકા ટિપ્પણી કરે, આક્ષેપ કરે તો એને પણ ધ્યાને રાખી રેકોર્ડ કરવાની રહેશે.દરેક વિડીયોગ્રાફર તેમજ ફોટોગ્રાફરે કાર્યક્રમ શરૂ થાય એની પહેલાંથી પોતાના સ્પષ્ટ સાંભળી શકાય એવા અવાજમાં કાર્યક્રમનું સ્થળ, સમય, તારીખ, કેટલા લોકોની ઉપસ્થિતિ, ઉમેદવારનું નામ, કયા હેતુથી કાર્યક્રમ યોજાય છે તેની જાણકારી આપવી જરૂરી છે. તેમજ જ એક્ટિવ રહીને ત્યાં ઉપસ્થિત લોકો તેમજ કોમર્શિયલ વાહનોની સંખ્યા દર્શાવતો વિડીયો પણ લેવાનો રહેશે. કાર્યક્રમ સ્થળનું સ્ટેજ, ફાળવવામાં વાહનો ત્યાં કરેલ તૈયારીનો પણ વિડીયો ખાસ લેવાનો રહેશે જેથી કરીને કાર્યક્રમ કે રેલીના નાણાં ખર્ચની વિગત તેમજ જાણકારી આપણને વિડિઓ અને ફોટોગ્રાફી થકી જ મળી રહે કારણ કે વિડિઓ અને ફોટો એ આપણા માટે પુરાવા રૂપ છે.
એ સાથે ખાસ ભારપૂર્વક કહ્યું હતું કે, દરેક વીડિયોગ્રાફર તેમજ ફોટોગ્રાફરે પોતાને ફાળવવામાં આવેલ બેટરી ફૂલ ચાર્જ રાખવી તેમજ જોડે એક એક્સ્ટ્રા બેટરી પણ જોડે રાખવી જેથી ગમે ત્યારે કોઈપણ કાર્યક્રમ કે રેલીને કવર કરવાનું થાય ત્યારે બેટરી પુરી થવાનો ઇસ્યુ થવો ન જોઈએ. આ બાબતે કોઈપણ પ્રકારની ભૂલ કે મુશ્કેલી થવી જોઈએ નહીં તેની ખાસ તકેદારી રાખવી પડશે. એકીસાથે જો વિવિધ જગ્યાઓ પર રેલી કે કાર્યક્રમ યોજાય તો તેને પણ તાત્કાલિકપણે કવર કરવાનો રહેશે. દરેક વિડીઓ અને ફોટોગ્રાફર એકબીજાના સંપર્કમાં રહી કામગીરી કરે તે ખુબ જરૂરી છે.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાઠવા, એક્સપેન્ડીંચર મોનીટરિંગ સેલના નોડલ અધિકારી કે. એમ. કાપડિયા, વિડીયો સર્વેલન્સ ટીમના લીડર તેમજ ચૂંટણી અર્થે ફાળવવામાં આવેલ વિડીયો ગ્રાફરો અને ફોટોગ્રાફરો સાથે તથા માહિતી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.