મતદાન જાગૃતિ માટે અનેકવિધ સૂત્રો આપતી ૧૫ થી વધુ વિશાળ રંગોળીઓ દોરવામાં આવી.
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત દાહોદ જિલ્લામાં આગામી ૭ મે ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં દાહોદ જિલ્લાના વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં સ્વીપ નોડલ અધિકારી દ્વારા સમગ્ર દાહોદ જિલ્લામા વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેના માધ્યમથી દાહોદ જિલ્લાના મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
દાહોદ જિલ્લાના હાર્દ સમા “સિદ્ધરાજ જયસિંહ” છાબ તળાવ ખાતે આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ દાહોદ જિલ્લા તેમજ ઘટકની આંગણવાડી કાર્યકર્તા બહેનો, તેડાગર બહેનો, સેવિકા બહેનો તેમજ જાગૃત વાલીઓએ મોટી સંખ્યામાં એકીસાથે મળીને છાબ તળાવ ખાતે મતદાન માટેના અનેક પ્રકારના પ્રેરક સંદેશા આપતી ૧૫ થી વધુ વિવિધ અને વિશાળ રંગોળીઓ પુરવામાં આવી હતી.લોકશાહીમાં કેટલી તાકાત રહેલી છે એ જાણે આ રંગોળીઓ આપણને સમજાવતી હોય એમ દરેક રંગોળી પોતાના સપ્તરંગી રંગો તેમજ સૂત્રો થકી જાણે આવનાર દરેક નાગરિકને પોતાના તરફ આકર્ષિત કરી મતદાન કરવા માટે પ્રેરિત કરતી હતી. આ દરેકેદરેક વિશાળ રંગોળીઓ ચૂંટણી માટેનો જાણે જીવંત સંદેશો આપતી હતી. આપણો મત – આપણી તાકાત, મત આપણો અધિકાર, એક મત ભારત માટે જેવાં વિવિધ સૂત્રો રંગોળીમાં આલેખવામાં આવ્યાં હતાં. છાબ તળાવની મુલાકાતે આવનાર લોકોમા મતદાન અંગેની જાગૃતિ આવે તેમજ તેઓ મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી રંગોળી થકી સંદેશો આપવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો.
રંગોળીના માધ્યમથી આઇ.સી.ડી.એસ. પરિવાર દ્વારા છાબ તળાવ ખાતે ફરવા માટે આવતાં લોકો માટે આવનાર મતદાન કરવા માટે પ્રેરીત થાય તેમજ તેઓમા ઉત્સાહ વધે એ હેતુથી આ કાર્યક્રમ કરવામા આવ્યો હતો એમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણે જણાવ્યુ હતુ.