સંબંધિત વિભાગને તાત્કાલિક માહિતી અને સારવાર મળી રહે તે માટેના આવશ્યક પગલાં લેવા સૂચના આપવામાં આવી
દાહોદ જિલ્લામાં હાલ ચાલી રહેલા હિટવેવ માટેના જરૂરી પગલાં અને આયોજન કરવા અંગેની બેઠક કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા ગરમીની તીવ્રતાને ધ્યાને રાખી સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક માહિતી અપડેટ થતી રહે તેમજ તે અંગેની આગોતરી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ઉપરાંત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ તાત્કાલિક સારવાર મળી રહે તે માટેના આવશ્યક પગલાં લેવા જણાવ્યું હતું. સખત ગરમી સામે ઉપચારાત્મક પગલાં લેવા તેમજ તાત્કાલિક પણે સમયસર એમ્બ્યુલન્સ પહોંચે, શહેરી સાથે ગ્રામ્ય કક્ષાએ પણ પૂરતી માત્રામાં O.R.S. ઉપલબ્ધ રાખવા, પ્રાથમિક સારવાર માટેની વ્યવસ્થા કરવી તેમજ ભર બપોરે સામાન્ય નાગરિકો સહિત નોકરિયાત વર્ગ પણ કારણ વગર બહાર ન નીકળે તેની ખાસ તકેદારી રાખવા તેમજ મનરેગાના કામોમાં શ્રમિકો માટે જોઈતી પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરવા ઉપરાંત સોશિયલ મીડિયા થકી પણ હિટવેવને લગતી અગત્યની સૂચનાઓનો ફેલાવો થાય અને હિટવેવથી બચવાના ઉપાયો જેવા સંદેશા દરેક લોકો સુધી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા કલેકટર યોગેશ નિરગુડેએ સૂચના આપી હતી.
આ બેઠક દરમ્યાન નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી. એમ. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સહિત અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.