‘સ્વયં અને સમાજ‘ માટે સમગ્ર દાહોદ બન્યું યોગમય
“વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વમિત્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે.” – મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
“મન, વચન, કર્મ, આત્મા ને પરમાત્મા સાથે જોડવા માટે યોગ કરવો જરૂરી છે.” – રાજ્ય મંત્રી પંચાયત અને કૃષિ વિભાગ, બચુભાઈ ખાબડ
દાહોદ જિલ્લામાં દાહોદના હાર્દ તેમજ ઓળખ સમા ઐતિહાસિક છાબ તળાવ ખાતે કુદરતી, ખુશનુમા-શીતળ વાતાવરણ અને પક્ષીઓના મીઠા કલરવ વચ્ચે મંત્રી બચુભાઈ ખાબડ, પંચાયત અને કૃષિ વિભાગની ઉપસ્થિતિમાં તેમજ સ્વયં અને સમાજ માટે યોગની થીમ હેઠળ જિલ્લા કક્ષાની ૧૦ મા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યોગ શિક્ષક દ્વારા યોગની વિવિધ પ્રકારની મુદ્રાઓ કરાવવામાં આવી હતી.
રાજ્ય મંત્રી પંચાયત અને કૃષિ વિભાગ, બચુભાઈ ખાબડે યોગ દિવસની શુભેચ્છા પાઠવતા પ્રાસંગિક ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, મન, વચન, કર્મ, આત્મા ને પરમાત્મા સાથે જોડવા માટે યોગ કરવો જરૂરી છે. ૨૧ મી જૂન ૨૦૧૯ માં રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર સમાજ યોગ દ્વારા પોતાની તંદુરસ્તી સાથે સમાજની તંદુરસ્તી માટે યોગ કરવા જોડાય તો આપણો સમાજ નિરોગી અને સ્વસ્થ રહેશે. ફક્ત આજના દિવસ પૂરતા જ નહીં પરંતુ નિયમિત રીતે આપણે અને આપણો પરિવાર પણ યોગમાં જોડાય તે જરૂરી છે. યોગ એ આપણા આરોગ્ય અને સુખાકારી જીવન માટે મહત્વનું છે. આપણી સરકાર આપણા સૌના સારા સ્વાસ્થ્ય માટે કટીબદ્ધ બની છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રારંભિક પ્રવચન આપતાં કલેકટર યોગેશ નિરગુડેએ કહ્યું હતું કે, યોગ એ આપણી પ્રાચીન જીવન પદ્ધતિ છે, જેમ શારીરિક રીતે સ્વસ્થ થવા કસરત ની જરૂર છે તેમ માનસિક સ્વસ્થતા માટે યોગ કરવો જરૂરી છે. જીવનમાં સ્વસ્થ રહેવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. દરરોજ યોગ અને પ્રાણાયામ કરનાર વ્યક્તિઓ તંદુરસ્ત રહે છે. નાગરિકો યોગ પ્રત્યે જાગૃતિ કેળવે અને નિયમિતપણે યોગ કરે એ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન દરમ્યાન કહ્યું હતું કે, આપણી સંસ્કૃતિ સમા યોગને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવાના ભગીરથ કાર્ય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વમિત્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. ભારતને વિશ્વ વ્યાપી બનાવવા આપણી સરકાર કટીબદ્ધ બની છે.
આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ, ડી. આર. ડી. એ. નિયામક બી.એમ. પટેલ, સંકલનના તમામ અધિકારીઓ, બ્રહ્માકુમારી ટીમ તેમજ અસંખ્ય સંખ્યામાં નાગરિકો, શિક્ષકો, પોલીસ વિભાગ તેમજ વિદ્યાર્થીઓએ યોગની વિવિધ મુદ્રાઓ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બની દાહોદવાસીઓને યોગ કરવાનો સંદેશો પાઠવ્યો હતો.