આપણે સૌ સાથે મળીને બાળકોના ઉત્તમ ભવિષ્યના નિર્માણ માટે વાલીઓ તેમજ શિક્ષકોએ જવાબદારી ઉઠાવવાની છે.-જી.એસ.એસ.બી.નાયબ સચિવ સમીર ભગોરા
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૪ ની ૨૧ મી શૃંખલાનો ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રારંભ કરાયો છે, ત્યારે પ્રવેશોત્સવના બીજા દિવસે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઈ ગામની નીચવાસ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે જી.એસ.એસ.બી.નાયબ સચિવ સમીર ભગોરાના અધ્યક્ષ સ્થાને શાળાના પ્રાંગણમાં રંગબેરંગી પરિધાનમાં આવેલા બાળકોના ખિલખિલાટ સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ – ચોખાનું તિલક કરીને નાયબ સચિવનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પ્રાર્થના ગીત અને સ્વાગત નૃત્ય ગીત થકી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સમગ્રતયા સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જી.એસ.એસ.બી. નાયબ સચિવ સમીર ભગોરાએ બાળકોને શિક્ષણની સાથોસાથ શૈક્ષણિક કારકિર્દીનું મહત્વ સમજાવી રાજ્ય સરકાર દ્વારા સો ટકા નામાંકન બાદ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે રાજ્ય સરકારનો સંકલ્પ હોવાનું જણાવી વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિઓની માહિતી પૂરી પાડી હતી. શિક્ષણ એ વ્યક્તિના ઘડતરનો પાયો હોવાનું જણાવી શિક્ષણ થકી સ્વયં તેમજ રાષ્ટ્રના ઘડતરમાં ખૂબ જ મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું હતું.
નાયબ સચિવ સમીર ભગોરાના હસ્તે શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ અંતર્ગત બાલવાટિકા, આંગણવાડી તેમજ ધોરણ ૧ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ અપાયો હતો. તેમજ વાલીઓને સંબોધતા કહ્યું હતું કે, બાળકો નિયમિત રીતે શાળાએ આવે તે માટે વાલીઓએ જ રસ દાખવી પહેલ કરવાની જરૂર છે. કાર્યક્રમ બાદ કોમ્પ્યુટર લેબના ઉદ્ઘાટન કરીને એસ.એમ.સી.ની બેઠક યોજવામાં આવી હતી જેમાં વાલીઓ તેમજ સભ્યો જોડે શાળાકીય બાબતોને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. મહાનુભાવના હસ્તે સ્કૂલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિમિતે લાયઝન અધિકારી, સરપંચ, આંગણવાડી બહેનો, એફ.એચ.ડબ્લ્યુ. ટીમ, ગ્રામજનો, વાલીઓ તેમજ નાનકડાં ભૂલકાઓ હાજર રહ્યા હતા.