પ્રકૃતિ મિત્ર મંડળની પર્યાવરણને જાળવી રાખવાની શૃંખલા અંતર્ગત આજે તા.૨૧/૦૭/૨૦૨૪ ના રવિવારના “ગુરુ પૂર્ણિમા” ના પાવન અવસરે પ્રકૃતિ મિત્ર મંડળની ‘પ્લાન્ટેશન સાઇટ ના ગેટ નંબર ચાર’ ખાતે વિનામૂલ્યે રોપા વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે પાછલા કેટલાય વર્ષોથી ચાલી આવતી દાહોદને ગ્રીન સિટી બનાવવાના પ્રયત્નોના એક ભાગરૂપે આયોજિત થયેલ હતો.
પાછલા અઠવાડિયા થી પર્યાવરણ માટે જાગૃત દાહોદ ના નગરજનો પાસેથી વિના મૂલ્ય રોપા મેળવવા માટે અરજી મંગાવવામાં આવી હતી, અને જણાવતા ખુબ આનંદ થાય છે કે ૨૫૦ (બસ્સો પચાસ) કરતાં પણ વધારે અરજીઓ આ રોપા મેળવવા માટે આવી હતી.
પ્રકૃતિ વિતરણ મંડળ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં નાના-મોટા છોડ, ફળાઉ, આરોગ્ય વર્ધક, કુંડામાં નાખી શકાય, મોટા વિસ્તારમાં નાખી શકાય એવા વિવિધતા ધરાવતા વિપુલ સંખ્યામાં રોપાઓ રાખવામાં આવ્યા હતા.
દાહોદની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, મંદિરો, સ્મશાન ગૃહ અને ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક સંસ્થાઓ (૪૫+) દ્વારા મોટા પાયે આરજીઓ આપવામાં આવી હતી અને ખૂબ બહોળા પ્રમાણમાં નગરજનોએ આજ રોજ આ વિના મૂલ્ય રોપા વિતરણ કાર્યક્રમનો લાભ લીધો.
પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા અંદાજે ૪,૫૦૦ જેટલા રોપાઓનું વિતરણ આજ રોજ સવારના ૦૯:૦૦ કલાક થી ૧૨:૦૦ કલાક દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં દાહોદના શહેરીજનો, બાળકો સૌએ ઉત્સાહભેર રોપાની સાથે સાથે વિના મૂલ્યે માટી તથા ખાતર લેવાનો પણ લાભ લીધો હતો.
ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આયોજિત આ કાર્યક્રમના સંચાલન વૃક્ષારોપણ ના પ્રકૃતિ મિત્ર મંડળના કન્વીનર નાસીરભાઈ કાપડિયા અને આશીલ શાહ ની સાથે સહ કન્વીનર રસીદાબેન ગરબાડાવાલા તથા હરીશભાઈ અગ્રવાલ ના નેજા હેઠળ પ્લાન્ટેશન કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રકૃતિ મિત્ર મંડળની સૌ કમિટીના સભ્યો, જનરલ સભ્યો વગેરે એ ઉત્સાહભેર આમાં સક્રિયપણે ભાગ લીધો.
સામાજિક વનીકરણ વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ) અને પશ્ચિમ રેલવે દ્વારા સતત ખૂબ ઉમદા રીતે સરાહનીય સપોર્ટ આપવામાં આવ્યો જે ઉલ્લેખનીય છે. વન વિભાગના કર્મચારીઓ ખડેપગે આમાં સહાયભૂત થયા.
આગામી સમયમાં, આવતા વર્ષોમાં હજુ મોટાપાયે આ જ રીતના કાર્યક્રમો કરી દાહોદના નગરજનોને પયૉવરણ પ્રત્યે સંકલ્પબદ્ધ કરવા અને તેમના ઉત્સાહને પૂરો પાડવા માટે પ્રકૃતિ મિત્ર મંડળ અચૂક અથાગ પ્રયત્ન કરશે જ. તેવું નાસીરભાઈ કાપડિયાએ જણાવ્યું હતું.