જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલ લોકપ્રશ્નનો ઉકેલ લાવવા માટે સુચના અપાઈ
દાહોદ જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ કરી શકે તે માટે જિલ્લા કક્ષાએ ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત કલેકટર કચેરી, સેવા સદન ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એ રૂબરૂ આવેલ અરજદારના પ્રશ્નો અને રજૂઆત સાંભળી ઉપસ્થિત અધિકારીશ્રીઓને કેટલાંક જરૂરી સલાહ-સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદાર દ્વારા દબાણ તેમજ જમીન માપણી અંગેના પ્રશ્નની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, સંજેલી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત સબંધિત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ હાજર રહ્યા હતા.