ALPESH TRIVEDI – DHORAJI
ઉપલેટા તાલુકાના વાડલા ગામે સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર જયાબેન જન્મશંકર પંડ્યાનો સંચાલક છેલ્લા ઘણાં સમયથી ગરીબ લોકોને રાશનનું અનાજ આપવાને બદલે બારોબાર વહેંચી નાખતો હતો. ગ્રામજનોને રેશનકાર્ડ દીઠ પુરતો અનાજનો પુરવઠો ન મળતો હોવાની અનેક રજૂઆતોના અંતે આ સસ્તા અનાજની દુકાનદાર સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા રોષે ભરાયેલા ગ્રામજનોએ સસ્તા અનાજની દુકાનનો પરવાનો ધરાવતા જયાબેન પંડ્યાની દુકાનનો સંચાલક આશિષ તનસુખલાલ કાટકોરીયા સસ્તા અનાજનો માલ ગોંડલ માર્કેટ યાર્ડમાં વહેંચાણ માટે જતો હોવાની જાણ થતાં જ ગ્રામજનોએ ૫૦ કિલો ઘઉના ૪૯ કટ્ટાઓ ભરેલ જીજે ૩ એજે ૮૦૫૪ નંબરનો અશોક લેયલેન્ડ ટેમ્પો અને તેમનો ડ્રાઈવર તથા ૨ મજૂરો સહિતનાઓને રંગેહાથે ઝડપીને આ બનાવની જાણ મામલતદાર, પોલીસ સહિતનાઓને કરી હતી. જેમને લઈને ઉપલેટાના મામલતદાર સહિતના લોકો ઘટના સ્થળે ગયા હતાં. અને ટેમ્પો કિંમત રૂપિયા ૩,૫૦,૦૦૦/- ઘઉ કિંમત રૂપિયા ૩૯૨૦૦/- મળીને કુલ રૂપિયા ૩,૮૯,૨૦૦/- નો મુદ્દામાલ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે આ બનાવમાં સંચાલક દુકાનનું છેલ્લા ઘણાં સમયથી સંચાલન કરતો હોય અને તેમણે આપેલ મામલતદારને નિવેદનમાં પોતે માલ લાયસન્સ ધારક જયાબેન પંડ્યા અને તેમના પુત્ર વિજયની જાણ બહાર વહેંચાણ કરવા જતો હોવાની કબૂલાત આપતા લાયસન્સ ધારક અને તંત્રનું ચાલતું લોલંલોલ તપાસનો વિષય બનવા પામ્યું છે.