દાહોદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૧૯ – ૨૦ માં ૪૦૦ થી વધુ લાભાર્થીઓને સ્વરોજગાર લોન ₹. ૯૧૪.૫૨ લાખ ની સહાય ચુક્વાઇ

0
653

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • ફક્ત સાત ધોરણ ભણેલા દક્ષાબેનની મહિને ₹. ૪૦ હજારથી પણ વધુની કમાણી.
  • રાજય સરકારની સહાયથી છૂટક વેપારની સાથે કરિયાણાનો હોલસેલ બિઝનેસ શરૂ કર્યો.

અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પોતાનું જીવનધોરણ ઉચું લઇ જવા મથી રહ્યો છે, પોતાની આવક વધારી કુંટુંબીજનો માટે શિક્ષણ, આરોગ્ય વગેરે ઉચ્ચ કક્ષાના મળે તે માટે પ્રયાસરત હોય છે. ઘણા નાના વેપારીઓ પોતાના ધંધાની પાંખો વિસ્તારી ને ઉંચા સ્તરે લઇ જવા માંગતા હોય છે. પરંતુ ધંધાને વિસ્તારવા માટે પૂરતું મૂડીરોકાણ કરી શકતા ન હોય વેપારને વિસ્તારી શકતા નથી. કેટલાંક વેપારીઓ સાહસ કરીને ખાનગી રાહે લોન તો લઇ લેતા હોય છે પરંતુ વ્યાજના ચક્રવ્યુહમાં એવા ફસાઇ જાય છે કે વાત છેક અનિચ્છનીય સુધી પહોંચે છે.
આવા મહાત્વાકાંક્ષી યુવાઓ પોતાની મહેચ્છાઓને સાકાર કરી શકે અને વ્યાજના ચુંગાલમાં ફસાયા વિના પોતાના ધંધાને વિસ્તારી શકે, નવા ઉદ્યોગ-ધંધા સ્થાપી શકે તે માટે રાજય સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બાજપાઇ બેન્કેબલ યોજના પણ આવી જ સુંદર યોજના છે જેનો લાભ લઇ અનેક યુવાઓ આર્થિક સફળતા હાંસલ કરી રહ્યા છે. પોતે સ્વનિર્ભર બની અન્ય યુવાનોને રોજગારીની તકો પૂરી પાડી રહ્યા છે. આ યોજનાનો લાભ લઇ અનેક મહિલાઓ પણ સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી પુરૂષોને પણ ઉદાહરણરૂપ બને તેવી સફળતા મેળવી રહી છે. દાહોદ જિલ્લાના લીમડીં ગામના દક્ષાબેન ચૌહાણ પણ જિલ્લાની મહિલાઓ માટે પ્રેરણારૂપ કામગીરી કરી રહ્યા છે. ફક્ત સાતમું ધોરણ ભણેલા દક્ષાબેન મહિને ૪૦ હજારથી પણ વધુની ચોખ્ખી આવક મેળવી રહ્યા છે.

દક્ષાબેન પોતાના પતિની મદદથી કરિયાણાનો વેપાર કરતા હતા. પરંતુ, મહિને માંડ ૧૨ હજાર જેટલી આવક પણ મૂશ્કેલીથી થતી હતી. તેમના ત્રણ બાળકો હજુ પ્રાથમિક – માધ્યમિક  શિક્ષણ મેળવી રહ્યા હતા. વધતી જતી આર્થિક જરૂરીયાતોને કારણે દક્ષાબેન અને તેમના પતિ દિનેશભાઇ આવક વધારવા માટે વેપારને વિસ્તારવા માંગતા હતા. છૂટક વેપારની સાથે હોલસેલ વેપાર પણ શરૂ કરવાનો ઇરાદો હતો, પરંતુ એટલું મૂડી રોકાણ લાવવું કઇ રીતે એ પ્રશ્ન હતો. દિનેશભાઇ ખાનગી લોન લેવાનું પણ વિચાર્યુ. નાણા વ્યાજે મેળવવાનો પણ એક વિકલ્પ હતો. પણ, તેઓ વ્યાજના ખપ્પરને સારી રીતે ઓળખતા હતા. તેનું ઉંચુ વ્યાજ અને હપ્તાને પહોંચી નહી વળાય એમ વિચારી માંડી વાળ્યું.

એ સમયે દક્ષાબેનને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બાજપાઇ બેંકેબલ યોજના વિશે માહિતી મળી. તેમણે લોન માટે અરજી કરી. લીમડી ગામની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પાસેથી આ યોજના અંતગર્ત તેમને ૩.૫૦ લાખની લોન મળી અને રૂ.૮૦ હજારની રાજય સરકાર દ્વારા સહાય મળતા તેઓ પોતાના ધંધાને વિસ્તારી શક્યા. હાલમાં લીમડી ગામમાં તેઓ છૂટક અને હોલસેલ કરીયાણાનો વેપાર કરી મહિને ₹. ૪૦ હજારથી પણ વધુની આવક મેળવી રહ્યા છે. આ ઉપરાંત દુકાને મદદરૂપ થવા બે વ્યક્તિઓને રોજગારી પણ આપી છે.

દાહોદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૧૯ – ૨૦ માં બાજપાઇ બેંકેબલ યોજના, P.M. EGP યોજના, દંતોપત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ ૪૦૦ થી વધુ લાભાર્થીઓને લોન મંજૂર કરવામાં આવી છે અને ₹.૯૧૪.૫૨ લાખની ગ્રાન્ટ વાપરવામાં આવી છે. રાજય સરકારની યોજનાઓનો લાભ લઇ દાહોદ જિલ્લાના અનેક યુવાનો સ્વતંત્ર ઉદ્યોગ-ધંધો સ્થાપી સ્વનિર્ભર બની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here