દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ

0
94

નાગરિકો વિદેશથી આવ્યા છે અને એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાવ્યું નથી તેઓ સ્વયંભૂ પોતાની વિગતો તંત્રને આપે
• દાહોદ જિલ્લામાં જરૂર પડે તો સામાજિક પ્રસંગો યોજવા ઉપર પણ પ્રતિબંધ મૂકવાની કલેક્ટરશ્રીની જાહેરાત
• સરકારી કચેરીઓની પણ નાગરિકોએ અતિ મહત્વના અને ટાળી ન શકાય તેવા કામ હોય તો જ મુલાકાત લેવી
• જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં જનસેવા કેન્દ્ર બંઘ કરવામાં આવ્યા, આવશ્યક સેવા સતત કાર્યરતદા

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તા.૨૦/૦૩/૨૦૨૦ ના રોજ ચાર થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પરના પ્રતિબંધના જાહેરનામા સંદર્ભે વધુ માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેક્ટર વિજય ખરાડીએ રાજય માં આગામી ૧૫ દિવસ ખૂબ જ મહત્વના હોઈ દાહોદ જિલ્લા ના નાગરિકો સ્વયંશિસ્ત જાળવે અને જાહેરનામા સંદર્ભે તંત્રને સહયોગ આપવા જણાવ્યું હતું.

પત્રકારો સાથેના સંવાદમાં તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ચુસ્ત પગલાં લેવા આવશ્યક હોઈ જિલ્લામાં તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી કલમ ૧૪૪ હેઠળ ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે. તમામ હાટ બજાર, મેળા, ધાર્મિક સામાજિક મેળાવડા, સભા, સરઘસ, રેલીનું આયોજન કરવું નહી અને આયોજનો મુલત્વી રાખવા. થિયેટર, મોલ, વગેરે સ્થાનો પણ બંધ રાખવામાં આવશે. બસસ્ટેશન અને રેલ્વે સ્ટેશને સેનીટાઇઝેશન અને હાઇઝીનની તમામ તકેદારીઓ રાખવી.

વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લાની તમામ સરકારી કચેરીઓ માં જનસેવા કેન્દ્ર આજથી બંઘ કરવામાં આવ્યા છે. સરકારી કચેરીઓની પણ નાગરિકોએ અતિ મહત્વના અને ટાળી ન શકાય તેવા કામ હોય તો જ મુલાકાત લેવી. નાગરિકો બને ત્યાં સુધી ઘરે જ રહે. જો જરૂર પડશે તો દાહોદ જિલ્લામાં યોજાતા સામાજિક પ્રસંગોના મેળાવડા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ બાબતે પોલીસ તંત્ર સાથે વિમર્શ કરવામાં આવશે. રવિવારના રોજ જનતા કરફ્યુ દરમિયાન આવશ્યક સેવા, ચીજ – વસ્તુઓના વેચાણ ચાલુ જ રહેશે.

તેમણે જણાવ્યું કે, જે નાગરિકો વિદેશથી આવ્યા છે અને એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાવ્યું નથી તેઓ સ્વયંભૂ પોતાની વિગતો જિલ્લા તંત્રને કે ૧૦૪ હેલ્પલાઇન નંબર પર જાણ કરે. તંત્રને જો આવા નાગરિકો વિશે માહિતી મળશે તો પોલીસ વિભાગને સાથે રાખીને તેમની સામે કડક પગલા લેવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, અત્યારે જિલ્લામાં ફક્ત ૨૨ જ નાગરિકો નિરીક્ષણ હેઠળ છે જેમાંથી કોઇ પણ નાગરિકને બિમારીના લક્ષણો જણાયા નથી. સાથે વિદેશી આવેલા નાગરિકો અને તેઓ જેમને મળ્યા હોય તેમના ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે. તેઓ પણ બને ત્યાં સુધી ઘરે જ રહે અને બહાર જવાનું ટાળે.

તેમણે જણાવ્યું કે, ૩ નગરપાલિકાઓમાં આશાબહેન અને હેલ્થની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં જયાં હજુ વધુ જાગૃતિ ફેલાવાની જરૂર છે ત્યાં ઘરે ઘરે જઇને લોકોને કોરોના બાબતે માહિતી આપવામાં આવી રહી છે અને સાવચેતી બાબતે સમજ અપાઇ રહી છે. સાથે પ્રાથમિક તપાસમાં કોઇ નાગરિકને રોગના લક્ષણો છે કે નહિ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ સંદર્ભે તેમણે ઉમેર્યુ કે, જિલ્લામાં તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલોનું મોનિટરિંગ અને દૈનિક રિપોર્ટિગ બાબતે ઉચ્ચ અધિકારીઓની એક સર્વેલન્સ ટીમ રચવામાં આવી છે. જે આઇસોલેશન્સ લેબ સર્વેલન્સ અને ફીલ્ડ સર્વેલન્સની પણ કામગીરી કરશે. જિલ્લા કક્ષાએ કાર્યરત કોરોના અંગેના કોલસેન્ટરનાં મોનિટરીંગ બાબતે કોલસેન્ટર મેનેજમેન્ટ ટીમ બનાવવામાં આવી છે. સાથે આ અંગેના સમાચારોના આદાન પ્રદાન માટે મીડિયા સર્વેલન્સ ટીમ ઉપરાંત સેમ્પલ ટ્રેસીંગ ટીમ, પ્રાઇવેટ હોસ્પીટલ સર્વેલન્સ ટીમ, ટ્રાન્સપોર્ટેશન અને એમ્બ્યુલન્સ મેનેજમેન્ટ ટીમ, ઇન્ટર ડીપાર્ટમેન્ટલ કોઓર્ડીનેશન ટીમની રચના કરવામાં આવી છે.

આગામી ૧૫ દિવસ કોરોના સંક્રમણ બાબતે ખૂબ સંવેદનશીલ સમય હોઈ નાગરિકો તંત્રને પૂરો સહયોગ આપે અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા સૂચનોનું અવશ્ય ચુસ્ત પાલન કરે તેવી અપીલ તેમણે પત્રકાર પરિષદમાં કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here