ફતેપુરા નગરમાં ભગવાન શ્રી રામના જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મ મહોત્સવ નિમિત્તે ફતેપુરા રામજી મંદિર ખાતેથી રામ નામના જય ઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી.
ફતેપુરા નગરમાં ભગવાન શ્રી રામના જન્મ મહોત્સવ ઉજવણી કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી તૈયારી ચાલતી હતી ત્યારે નગરને ભગવા રંગની ધજા થી શણગારવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ ઉજવણી કરવા માટે ફતેપુરા રામજી મંદિરને રંગબેરંગી રોશનીઓથી તેમજ વિવિધ ફૂલોથી શણગારી દેવામાં આવ્યું હતું.
રામલલાની મૂર્તિને પણ વિવિધ રંગોના વાઘા પહેરાવીને ફૂલોથી તેમજ રોશની થી જગમગી ઉઠ્યા હતા. રામજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જય શ્રી રામના જય ઘોષ સાથે બેન્ડ, ડીજે તેમજ નાસિક ઢોલ ના નાદ સાથે ભગવાન શ્રીરામની ફતેપુરા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. યુવા ધને કેસરી રંગના કપડા પહેરી માથે કેસરી સફા બાંધીને શોભાયાત્રામાં જોડાયા હતા. જય શ્રી રામ જય શ્રી રામ ના નારા સાથે ફતેપુરા નગર ઝુમી ઉઠયું હતું.
શોભાયાત્રામાં કોઈ પ્રકારનું અનીચ્છનીય બનાવ ન બને તે માટે ફતેપુરા PSI જી.કે. ભરવાડ તેમજ C.P.I. રાઠવાની ઉપસ્થિતિમાં જડબેસલાખ બંદોબસ્ત સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ફતેપુરા નગરમાં શોભાયાત્રા પોલીસ સ્ટેશન રોડ, મેઈન બજાર, હોળી ચકલા વિસ્તાર, મસ્જિદ બજાર, ઝાલોદ નાકા, પાછલા પ્લોટ વિસ્તાર, અંબાજી મંદિર, જુના બસ સ્ટેશન, બાલાજી સોસાયટી થઈ પરત રામજી મંદિર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આજે સાંજે રામજી મંદિર ખાતે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફતેપુરા PSI જી.કે. ભરવાડે શોભાયાત્રામાં જોડાયેલા દરેક વ્યક્તિને ઠંડુ પાણી પીવડાવી લોકોનું મન જીત્યું હતું, ત્યારે ગામ લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.