- દાહોદ જિલ્લાનો એક પણ મતદાતા મતદાનની તક ચૂકે નહિ એ માટેની જિલ્લા ચૂંટણી તંત્રની અનોખી પહેલ.
- મતદાન અવશ્ય કરવા માટેનો જિલ્લા ચૂંટણી અધિકારી નો સંદેશો મતદાતા સુધી પહોંચતો કરાઇ રહ્યો છે.
- દવાખાનાઓમાં આવતા દર્દીઓથી લઇને દુકાનોના ગ્રાહકો સુધી મતદાનનો સંદેશો અપાઇ રહ્યો છે.
- જિલ્લામાં સહી ઝુંબેશ, સેલ્ફી પોઇન્ટ, કિઓસ્ક મશીન સહિતની અનેક પ્રવૃતિઓ દ્વારા સઘન મતદાતા જાગૃકતા ઝુંબેશ
ગુજરાત વિધાનસભા – ૨૦૨૨ ની સામાન્ય ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે દાહોદ જિલ્લાનો એક પણ મતદાતા મતદાનની તક ચૂકે નહિ એ માટેની ચીવટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી એક સરસ પહેલમાં જોવા મળી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીની રાહબરીમાં દરેક મતદાતા સુધી લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવા માટેનો સંદેશો અનોખી રીતે પહોંચતો કરવામાં આવી રહ્યો છે.
જિલ્લાના દરેકે દરેક મતદાતા સુધી ‘‘મત આપવો આપણો અધિકાર અને ફરજ છે,
લોકશાહીના મહાપર્વમાં ૫ મી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ મતદાન કરવાનું અને કરાવવાનું ચૂકશો નહિ’’ એવો જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ગોસાવીનો સંદેશો પહોંચતો કરવામાં આવી રહ્યો છે. આ માટે જિલ્લાની ઝાયડસ હોસ્પીટલ સહિતની તમામ ખાનગી અને સરકારી હોસ્પીટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર સારવાર અર્થે આવતા દર્દીઓના કેસ ઉપર જિલ્લા ચૂંટણી અધિકારીનો આ સંદેશો ધરાવતો સિક્કો મારવામાં આવે છે. જેથી સારવાર માટે આવતા દર્દીઓ તેમજ તેમના સગાવહાલા સુધી મતદાન કરવા માટેનો સંદેશો પહોંચી રહ્યો છે.
તદ્દઉપરાંત, પશુદવાખાનાઓ, જિલ્લાની મોટી દુકાનો, શો રૂમ, મોબાઇલ સ્ટોર, પાર્ટી પ્લોટ, હાઇવે ઉપરની હોટલો સહિતની જગ્યાઓ જયાં નાગરિકો ખરીદી અર્થે આવતા હોય તેમને અપાતા બીલમાં જિલ્લા ચૂંટણી અધિકારીનો મતદાન અવશ્ય કરવાનો સંદેશો સિક્કો મારીને પહોંચતો કરવામાં આવી રહ્યો છે. તેમજ રાત્રી બજાર જેવા જાહેર સ્થળોએ સહી ઝુંબેશ આદરવામાં આવી છે. સહી ઝુંબેશમાં સહભાગી બનીને નાગરિકોને વિધાનસભાની ચૂંટણીઓમાં આગામી તા. ૫ ડિસેમ્બરે અવશ્ય મતદાન કરવા માટેની સમજ અપાઇ રહી છે.
દાહોદ નગરમાં મતદાતાઓને જાગૃત કરવા માટે સાયકલ રેલી, હેપ્પી સ્ટ્રીટ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે. નગરમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરતી ગાડીના સ્પીકર મતદાનની પવિત્ર ફરજ અદા કરવા માટેનો સંદેશો મતદાતાઓને ઘરે ઘરે ફરીને આપી રહી છે. ઉપરાંત જિલ્લામાં ઠેર ઠેર સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. નાગરિકો આ સેલ્ફી પોઇન્ટ જેના ઉપર હું જાગૃત મતદાતા છું, હું મારી ફરજો ચોક્કસ અદા કરીશ નો મેસેજ લખેલો છે. ત્યાં મતદાતાઓ સેલ્ફી લઇ રહ્યાં છે અને મતદાન કરવા માટેના સંકલ્પને વ્યક્ત કરી રહ્યાં છે.
જિલ્લાની મહત્વની સરકારી કચેરીઓ ખાતે કિઓસ્ક મશીન લગાવવામાં આવ્યા છે. સરકારી કચેરીની મુલાકાતે આવતા નાગરિકોને આ કિઓસ્ક મશીન મતદાનની તારીખ સહિત વિવિધ સુંદર સૂત્રો દ્વારા મતદાનની પવિત્ર ફરજ નિભાવવા માટે જણાવી રહ્યાં છે. આ કિઓસ્ક મશીનો જિલ્લા સેવા સદન ખાતે, દાહોદ બસ સ્ટેશન, દાહોદની પ્રાંત ઓફિસ, નગર પાલિકા તેમજ આરટીઓ જેવી સરકારી કચેરીઓ સહિતના જાહેર જગ્યાએ મુકવામાં આવ્યા છે.
વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં એક પણ મતદાતા મતદાન કર્યા વિના ન રહે એ માટે જિલ્લામાં સઘન ઝુંબેશ ચાલી રહી છે અને દરેક મતદાતા સુધી મતદાન માટેનો સંદેશો મળે એ માટેની ચીવટ તંત્ર રાખી રહ્યું છે.