THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા એકતા દોડમાં યુવાનો સરદાર પટેલને પોતાના આદર્શ બનાવે : મંત્રી બચુભાઇ ખાબડ
અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિન “રાષ્ટ્રીય એકતા દિવસ” પર દાહોદ નગરમાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડના નેતૃત્વમાં યોજાયેલી એકતા દોડમાં મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અનાજ મહાજન સ્કુલ – ત્રિવેણી મેદાનથી આ દોડની શરૂઆત મહાનુભાવો દ્વારા કરાવવામાં આવી હતી. નગરના વિવિધ વિસ્તારોમાં થઇ પડાવ સર્કલ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રધ્ધાંજલી આપ્યા બાદ એકતા દોડનું સમાપન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા દિવસે સરદાર પટેલનું પુણ્યસ્મરણ કરતાં મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે આજના યુવાનો માટે સરદાર વલ્લભભાઇ પટેલ સૌથી મોટી પ્રેરણા સમાન છે. આઝાદીની લડતમાં તેમનું યોગદાન વિરલ છે, આઝાદી બાદ પણ અખંડ ભારતનું નિર્માણ કરવામાં તેમની ભૂમિકા અજોડ હતી. આ પ્રસંગે મંત્રી બચુભાઇ ખાબડે ઉપસ્થિત નગરજનોને સરદાર વલ્લભભાઇ પટેલના દેશને સમર્પિત જીવન અને બલિદાન વિશે જણાવ્યું હતું અને યુવાનોને સરદાર પટેલ જેવું મક્કમ મનોબળ કેળવવા તથા તેમના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્ટેસ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા તેમને યોગ્ય શ્રદ્ધાંજલિ આપી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
“રાષ્ટ્રીય એકતા દિવસ” ના આ પાવન પ્રસંગે નગરજનોએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવાના શપથ પણ લીધા હતા. રન ફોર યુનિટી કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે, દાહોદના પ્રાંત અધિકારી તેજશ પરમાર, દેવગઢબારીયાના પ્રાંત અધિકારી એ.આઇ. સુથાર, દાહોદ નગરપાલિકા ચીફ ઓફીસર એ.એચ. સિન્હા, નગર પાલિકાના કર્મચારીઓ, રમત ગમત અધિકારી વિરલ ચૌધરી અને સરકારી અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ જવાનો, રમતવીરો તથા નગરજનો જોડાયા હતા.