
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

૭મી જુન ૨૦૧૯ ની સાંજે એક ૨૨ વર્ષની સગર્ભા મોહીની સક્સેનાએ અમદાવાદ જિલ્લાના સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પુત્રને જન્મ આપ્યો ત્યારબાદ તુર્તજ તેઓને ખુબજ વધુ રક્તસ્ત્રાવ (પોસ્ટ પાર્ટમ હેમરેજ) થવા લાગ્યો હતો. પોસ્ટ પાર્ટમ હેમરેજના કારણે બ્લડ પ્રેશર ઘટવા લાગે છે અને અમુક કિસ્સાઓમાં મૃત્યુ સુધી પહોચી શકે છે. પરંતુ મોહીનીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સનાથલના મેડિકલ સ્ટાફ દ્વારા તેમને તુર્તજ નોન ન્યુમેટીક એન્ટી શોક ગારમેન્ટમાં વીટવામાં આવ્યા, આ નીયોપ્રીન ગારમેન્ટ દ્વારા ઝડપથી મોહીનીનો રક્તસ્ત્રાવ કાબુમાં રાખી શકાયો તથા તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને મોહીનીને અન્ય નજીકની મોટી સારવાર સંસ્થા(સીવીલ હોસ્પીટલ) ખાતે પહોચાડવા માટે પુરતો સમય પ્રાપ્ત થયો અને તેણીને સંભવીત મોતના મુખેથી બચાવી લેવાઇ હતી.
અમદાવાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ દ્વારા લોકલ લેવલે કરવામાં આવેલ એક નવી પહેલના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેના કારણે નવેમ્બર-૨૦૧૮માં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવના સહીયારા પ્રયાસને કારણે અમદાવાદ જિલ્લામાં “SAHARA” પ્રોજેક્ટની શરૂઆત કરી જેનો ધ્યેય NASG સુટ દ્વારા માતામરણ માટે જવાબદાર પોસ્ટ પાર્ટમ હેમરેજને નીવારવાનો છે. જો માતામરણ ઘટાડવા પર ધ્યાન આપવામાં આવે તો તેના થકી બાળ મૃત્યુ પણ ચોક્કસ ઘટાડી શકાય. તેથી પી.પી.એચ.ના કારણે થતા માતામરણ નીવારવા માટે વધુ લક્ષ આપવામાં આવ્યુ છે. વધુમાં ઘણી વખત અધુરા પોષણના કારણે ઘણી માતાઓ એનીમીક હોય છે. જેના વધુ પડતા અને ત્વરિત રક્તસ્ત્રાવને કારણે થતુ નુકસાન વધુ જોખમી ગણાય છે. વધુમાં ગ્રામ્ય વિસ્તારમાં થતી ડીલીવરી બાદ જ્યારે પી.પી.એચ. જેવી જટીલતા ઉદભવે અને તે ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલથી ખુબ જ દુર હોય છે તેવી સ્થીતીમાં તેઓને જો NASG સુટ પહેરાવી રીફર કરવામાં આવે તો રક્તસ્ત્રાવ કાબુમાં રાખી માતાની જિંદગી બચાવી શકાય છે.
આ પહેલના પરિણામો સૌની સામે જ છે, જ્યારે જાન્યુઆરી-૨૦૧૮ થી નવેમ્બર-૨૦૧૮ સુધી પી.પી.એચ. ના કારણે કુલ ૮ માતા મરણ અમદાવાદ જિલ્લામાં નોંધાયેલ છે પરંતુ આ પ્રોજેક્ટની શરૂઆત બાદ જિલ્લામાં કોઇપણ માતા મરણ પ્રસુતિ પછીના વધુ રક્તસ્ત્રાવ(પી.પી.એચ.) ના કારણે થયેલ નથી. હાલની સ્થીતી એ અમદાવાદ જિલ્લાના તમામ ૪૦ પ્રા.આ.કેન્દ્ર ખાતે NASG સુટ ઉપલબ્ધ છે તથા એ દરેકને ૧૪૦ વાર વપરાશમાં લઈ શકાય છે. તેમ અમદાવાદ જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો શિલ્પા યાદવે અખબારી યાદીમા જણાવ્યું હતું.