જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ વાહન મોકલીને આ
વિદ્યાર્થિનીઓને પરત લાવવામાં આવી.
આંધ્રપ્રદેશના વિવિધ પ્રાંત નર્સિંગનો અભ્યાસ કરતી દાહોદ જિલ્લાની ૬ જેટલી છાત્રાઓ લોકડાઉનમાં ત્યાં ફસાઇ ગઇ હતી. તેમને પરત લાવવા માટે મદદની ગુહાર પડતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ખાસ વાહન ત્યાં મોકલવામાં આવ્યું હતું. આજે તા.૨૧/૦૫/૨૦૨૦ ને ગુરુવારના રોજ આ વાહન દીકરીઓને લઇ પરત ફર્યું હતું. વાલીઓ દ્વારા કલેક્ટર વિજય ખરાડીને પોતાની દીકરીઓને પરત લાવવા વિનંતી કરવામાં આવી હતી. વાલીઓની રજૂઆત એવી હતી કે તેમની દીકરીઓ ત્યાં ફસાઇ ગઇ છે. આંધ્રપ્રદેશથી અહી આવવા માટે કોઇ જ વ્યવસ્થા થઇ શકતી નથી. એથી, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદથી ૪૬૦૦ કિલોમિટર દૂર ક્રુઝર વાહન તા.૧૬/૦૫/૨૦૨૦ ના રોજ મોકલવામાં આવ્યું હતું. આ વાહન સાથે એક વાલીને પણ મોકલવામાં આવ્યા હતા. તેમની સાથે સામાજિક કાર્યકર રાજેશભાઇ સિસોદિયા પણ જોડાયા હતા.
આ દીકરીઓને કોઇ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે થઇને કલેક્ટર વિજય ખરાડી પણ આંધ્રપ્રદેશના સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. આ વાહનમાં બેંગ્લોરથી બે, નેલુરથી ૨, ઉગલથી ૨ દીકરોને લઇ આજે ગુરુવારે સવારે દાહોદ આવી પહોંચી હતી. અહીં આવ્યા બાદ તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને હોમ ક્વોરોન્ટાઇન રહેવા સૂચના આપવામાં આવી છે. દીકરીઓ અને વાલીઓએ સરકારનો આભાર માન્યો હતો. આ વાહન તથા રસ્તામાં ભોજનનો ખર્ચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહન કરવામાં આવ્યો છે.