ALPESH TRIVEDI – DHORAJI
જેતપુર પોલીસે સૌરાષ્ટ્ર પાસના કન્વીનર લલિત વસોયા ની ધોરાજી ખાતેથી ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે.
ગત તારીખ 21/02/2017 ના રોજ જેતપુરના નટુ ગાંજાના લલકારને લઈને હાર્દિક પટેલે દેવકી ગાલોળ આગમન કર્યુ હતું દર્શનાર્થે જતો હાર્દિક પટેલનો કાફલો દેવકી ગાલોળ પહોંચે તે પહેલા જ જેતપુરના સરદાર ચોક ખાતે નટુ ગાંજાના એલપીજીના કાર્યકરો અને પાસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં સંડોવાયેલા ઘણા પાસના કાર્યકર્તાઓની જેતપુર પોલીસે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં છૂટકારો થયા બાદ આ બનાવમાં સંડોવાયેલા સૌરાષ્ટ્ર પાસ કન્વીનર લલિત વસોયાની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસની ધરપકડ બાદ જેતપુર લઈ આવેલા લલિત વસોયાએ પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને મિડિયા સાથે વાત કરતા જેતપુરના સરદાર ચોક ખાતે હાર્દિક પટેલના કાફલા અને એલપીજીના કાર્યકર્તાઓ વચ્ચે થયેલ મારામારીમાં પોતાની હાજરી ન હોવા છતાં આ બનાવમાં પોલીસે ખોટી રીતે સંડોવાયેલ હોવાનું જણાવ્યું હતું. જ્યારે લલિત વસોયાએ પોતાની ઓચિંતા થયેલ ધરપકડને લઈને ઘેરા પ્રત્યાઘાતો આપતા જણાવ્યું હતું કે આવતીકાલે ધોરાજીમાં હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં પાસની ચિંતન શિબીર યોજાઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં પાસના હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે તેમની ધરપકડથી મિટિંગ મોકુફ રહે તે માટે તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ વધુમાં જણાવ્યું હતું આ સાથે જ તેમણે પોતાની ધરપકડ થઈ હોવા છતાં પણ ધોરાજી ખાતે યોજાઈ રહેલ પાસની ચિંતન શિબીર યોજનાઓને જ રહેશે તેવું પણ જણાવેલ હતું.તો બીજી તરફ લલિત વસોયાની ધરપકડને લઈને પાટીદારો અને પાસના કન્વીનરો શહેર પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતાં.